પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના વર્તમાન સરકારના નેતૃત્વ હેઠળ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને તેના કારણે ઉત્તરપ્રદેશમાં ગરીબમાં ગરીબ લોકોને પણ મદદ મળી શકી છે. પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અંતર્ગત છ લાખથી વધુ લાભાર્થીઓને આર્થિક સહાય આપતી વખતે સંબોધન કરી રહ્યાં હતા ત્યારે આમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત દેશના નાગરિકોના આત્મવિશ્વાસ સાથે સીધો સંબંધ ધરાવે છે અને પોતાની માલિકીનું એક ઘર હોય તો આ આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થઇ જાય છે. પોતાની માલિકીના ઘરના કારણે જીવનમાં એક નિશ્ચિંતતાની લાગણી આવે છે અને તેના કારણે ગરીબીમાંથી બહાર આવવાનું આશાનું કિરણ પણ દેખાય છે.
પ્રધાનમંત્રીએ જૂની સ્થિતિ યાદ કરતા કહ્યું હતું કે, અગાઉની સરકારોના શાસન દરમિયાન એક એવો સમય હતો જ્યારે ગરીબોને વિશ્વાસ નહોતો કે તેમને પોતાનું ઘર બાંધવામાં સરકાર તરફથી કોઇપણ પ્રકારની મદદ મળી શકે તેમ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, અગાઉની યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ગુણવત્તા પણ સંતોષકારક નહોતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખોટી પોલિસીની આંટીઘુંટીમાં ગરીબોએ ખૂબ જ પીડા સહન કરી હતી. આ વેદનાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ જ્યારે સમગ્ર દેશ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હોય તે પહેલાં દરેક ગરીબ પરિવારને એક પોતાનું ઘર આપવાનો છે. તાજેતરના વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 1.5 લાખ કરોડની આર્થિક સહાય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.25 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં અગાઉની સરકારોના શાસન વખતે લોકોને પ્રતિભાવ આપવાના અભાવના દિવસો પણ યાદ કર્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, ઉત્તરપ્રદેશમાં 22 લાખ ગ્રામીણ આવાસોનું બાંધકામ કરવામાં આવશે જેમાંથી 21.5 લાખ મકાનોને બાંધકામ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 14.5 લાખ પરિવારોને પહેલાંથી જ તેમના મકાનો સોંપી દેવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના મકાનો વર્તમાન સરકારના કાર્યકાળમાં સોંપાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500