ઘર આંગણે ઘઉંની કિંમતોમાં થયેલા વધારાના કારણે ભારતે ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધનો અમેરિકાએ વિરોધ કર્યો છે. અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે આશંકા વ્યક્ત કરી છે કે, ભારતના આ નિર્ણયથી વિશ્વ પર અનાજનુ સંકટ વધશે. ગ્રીનફિલ્ડે કહ્યુ છે કે, અમે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અંગે ભારતના નિર્ણયનો અભ્યાસ કર્યો છે. અમને લાગે છે કે, નિકાસ પર આ પ્રકારના પ્રતિબંધથી વિશ્વ પર તોળાઈ રહેલુ અન્ન સંકટ વધારે ગંભીર બનશે.આશા છે કે, આ નિર્ણય પર ભારત ફરી વિચારણા કરશે.
તેમણે કહ્યુ હતુ કે, સુરક્ષા પરિષદ દ્વારા આ મુદ્દે બેઠક બોલાવવામાં આવી છે અને અમને આશા છે કે, ભારત આ બેઠકમાં સામેલ થશે. અન્ય દેશો દ્વારા જે ચિંતા વ્યક્ત થઈ રહી છે તેને ભારત ધ્યાનમાં લેશે. દરમિયાન ભારત સરકારે પ્રતિબંધમાં થોડી ઢીલ મુકી છે અને કહ્યુ છે કે, નિકાસ માટે ગત તા.13 મે પહેલા કસ્ટમ ઈન્સ્પેક્શન માટે સુપરત થઈ ગયેલી અથવા રજિસ્ટર થઈ ગયેલી ઘઉંની ખેપને નિકાસ માટે પરવાનગી આપી દેવાશે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ઘઉંના ભાવ વધવાનુ મુખ્ય કારણ યુક્રેન અને રશિયા વચ્ચેનુ યુધ્ધ છે. ભારતમાં પણ ઘર આંગણે ઘઉંની કિંમત વધી હતી પણ નિકાસ પર પ્રતિબંધ બાદ ઘઉંની કિંમતો નીચે આવી રહી છે. ભારતે 2021-22ના વર્ષમાં રેકોર્ડ બ્રેક 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500