નડિયાદનાં ભલાડા રોડ ઉપરથી પિકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા, જ્યારે ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. બનાવ અંગે લીંબાસી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળેલ કે, લીંબાસી પોલીસની હદમાં ભલાડા ખાતે રહેતો બુટલેગર અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમારે વિદેશી દારૂ મંગાવેલ છે આ દારૂ રાજસ્થાનના મહાવીરસિંહ ભાટી રાજપૂત (રહે.લાંભા, અમદાવાદ) સફેદ કલરની અલ્ટો ગાડી લઈ જાતે લીંબાસીના સ્થાનિક વ્યક્તિને ગાડીમાં સાથે લઈ પાયલોટિંગ કરીને ભલાડા ખાતે દારૂ લઈને આવવાના છે.
તેમજ ભલાડાના અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર પોતે વિદેશી દારૂ લેવા જવાનો છે. આ બાતમી મળતા નડિયાદ ટાઉન પોલીસે લીંબાસી પોલીસને જાણ કરતા લીંબાસી પોલીસે ભલાડા રોડ ઉપર આડશ ઉભી કરી વોચ ગોઠવી હતી. લીંબાસી તરફથી પાયલોટિંગ કરી આવી રહેલ સફેદ અલ્ટો ગાડીનો ચાલક પોલીસને જોઈ રોડની સાઈડમાં ગાડી ઉતારી નાસી ગયો હતો, જ્યારે અલ્ટો ગાડી પાછળ આવેલ મહેન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાં બેઠેલા ત્રણેય ઇસમો પોલીસને જોઇ ગાડી મૂકી અંધારાનો લાભ લઈને ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે પીછો કરતા બે ઇસમો ઝડપાઈ ગયા હતા. આ બંનેની પૂછપરછ કરતા ગાડીનો ચાલક રતનસિંહ જબ્બર સિંહ સોઢા (રહે.મણિનગર, અમદાવાદ મૂળ રહે.મીઠોડા ગામ, રાજસ્થાન) તથા બુટલેગર અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર (રહે.વાસી, ભલાડા) મળી આવ્યો હતો.
જ્યારે ત્રીજો ઈસમ મુકેશભાઈ ઉર્ફે ભૂરો મંગળભાઈ ડાભી (રહે.માતર) જે ખેડા પોલીસના ગુનામાં વોન્ટેડ છે. તે ઈસમ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે પીકઅપ ટેમ્પોની તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ 2171 મળી આવ્યો હતો. જેથી પોલીસે બોલેરો પીકઅપ, મોબાઇલ સહિત મળી કુલ રૂપિયા 14.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લીંબાસી પોલીસે અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર, રતનસિંહ જબ્બર સિંહ સોઢા, મુકેશભાઈ ઉર્ફે ભૂરો મંગળભાઈ ડાભી, મહાવીરસિંહ નરપતસિંહ ભાટી રાજપૂત, ગોપાલ રબારી ઉર્ફે ઘેવા રામ લાભુરામ રબારી તેમજ અજાણ્યા ટોયેટા ગાડીના માલિક સામે પ્રોહી.નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500