નવસારી જિલ્લા એલ.સી.બી.ની ટીમે બીલીમોરાના ઓરીયા મોરીયા વિસ્તારમાં ચાલતા વરલી મટકાના અડ્ડા ઉપર છાપો મારી બે ઈસમોને ઝડપી પાડી રૂ.૩૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનામાં વાપી ડુંગરાના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તે વખતે તેને બાતમી મળી હતી કે, બીલીમોરાના ઓરીયા મોરીયા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રાઠોડના ઘરના પાછળ મુંબઈથી ઓપરેટ થતા વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે એલ.સી.બી.ની ટીમે તે સ્થળે છાપો મારી કાગળની ચિઠ્ઠી ઉપર આંકડો લેતા આરોપી શૈલેષ માધુભાઈ રાઠોડ (રહે.જગુભાઈની દુકાન સામે, ઓરીયા મોરીયા, બીલીમોરા) અને દિપક કિશનભાઈ દેવીપૂજક (રહે.ફ્લેટ નં.૨૦૩, વિઠ્ઠલનગરની સામે, ખાડા નાકે, બીલીમોરા)ને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ સ્થળ પરથી રોકડા રૂ.૩૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં મુકેશ રમેશ પટેલ (રહે.નવીનગર, ડુંગરા, વાપી)ની સંડોવણી હોય, તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. બનાવ અંગે બીલીમોરા પોલીસે જુગારધારા હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500