સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી પાસેથી ગત મોડી રાતે બાઇક પર જઇ રહેલા ટોબેકો વેપારીને મોપેડ પર આવેલા ત્રણ લૂંટારૂઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રોકડા રૂપિયા 8 લાખ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેર રોડ પાલનપુર પાટીયા સ્થિત મંગલમૂર્તિ શોપીંગ સેન્ટરમાં શંકર ટ્રેડર્સ નામે હોલસેલમાં ટોબેકો અને ચોકલેટનો વેપાર કરતા રવિ ઉર્ફે કૈલાશ કનૈયાલાલ અમરનાણી (રહે.બી/101 સહયોગ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ સ્કૂલની સામે, પાલનપુર જકાતનાકા નજીક, સુરત) રાબેતા મજુબ રાત્રે વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી હતી.
દુકાન બંધ કર્યા બાદ ધંધાની રોકડ પિતરાઇ સુભાષ લાલચંદ અમરનાણી (રહે.એ/204 સહયોગ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ સ્કૂલની સામે, પાલનપુર જકાતનાકા)ને પહોંચાડતો હોવાથી રવિએ સુભાષને કોલ કર્યો હતો. સુભાષ ઘરે હોવાથી ધંધાના રોકડા રૂપિયા 8 લાખ પ્લાસ્ટિકની બેગમાં મુકી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાનમાં પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી નજીક રાધિકા સ્ટુડીયો પાસેથી પસાર થતો હતો. ત્યારે બર્ગમેન મોપેડ ત્રણ લૂંટારૂ ઘસી આવ્યા હતા. લૂંટારૂઓ ચાલુ બાઇકે ધક્કો મારતા રવિ રોડ ઉપર પડી ગયો અને ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા મારતા પીઠ, બંને હાથ, પેટ અને પગના ભાગે ઇજા પહોંચાડી રોકડા રૂપિયા 8 લાખ લૂંટીને ભાગી ગયા હતા.
લૂંટારૂઓ ભાગી જતા રવિએ તુરંત જ તેના પિતરાઇને ફોન કરી સુભાષભાઇ બચાવો, સુભાષ બચાવો એવું કહેતા કંઇક અજુગતુ થયાની શંકા જતા તુરંત જ સુભાષ રહેણાંક એપાર્ટમેન્ટના વોચમેન સાથે ઘટના સ્થળે ઘસી ગયો હતો અને ઇજાગ્રસ્ત રવિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ અડાજણ પોલીસ ઘસી આવી હતી અને સ્થાનિક વિસ્તારની સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500