આણંદના વહેરાખાડી ગામે ઠાકોરિયા સીમમાં તબેલામાં ભેંસો દોહવા ગયેલા યુવકના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને દંપતી સહિત ત્રણ શખ્સોએ હત્યા કરી હતી. મૃતક મહિલાને પ્રેમ સંબંધ રાખવા બાબતે હેરાન કરતો હોવાથી દંપતીએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી, હત્યામાં ઉપયોગમાં લીધેલા હથિયારો જપ્ત કરી, ત્રીજા શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વહેરાખાડી ગામે દિવાન વગામાં રહેતા સાજીદશા છોટુશા દિવાન અને તેમના ચાર ભાઈઓનું ઠાકોરિયા સીમમાં ખેતર આવેલું છે. જેમાં પાંચેય ભાઈઓએ ભેંસોનો તબેલો બનાવ્યો છે. તેવામાં સાજીદશાના નાના ભાઈ નબીશા દિવાન (ઉં.વ.૩૮) રવિવારે સાંજે તબેલા ઉપર ભેંસો દોહવા ગયા હતા. મોડી સાંજ સુધી તે પરત ન આવતા સાજીદશા તબેલા ખાતે ગયા હતા. જ્યાં એક ઓરડીમાં દીવાલ નજીક ઊંધો પડેલા હાલતમાં નબીશા મળ્યો હતો. તેનું માથું છુંદાઈ ગયેલું હતું અને કોઈ શખ્સે માથામાં બોથડ પદાર્થના ઘા માર્યા હોવાનું અને ડાબા હાથનું કાંડુ પણ કપાઈ ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું.
જેથી સાજીદશાએ પોલીસને જાણ કરતા ખંભળોજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી સારસા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલ્યો હતો. બનાવને પગલે આણંદ એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાવ સ્થળની બાજૂમાં રહેતાં દંપતી જયદીપ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર (ઉં.વ.૩૬) અને ભાવનાબેન જયદીપ ઠાકોર (ઉં.વ.૩૨)ની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બંને શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરતાં, નબીશા છેલ્લા કેટલાક સમયથી ભાવનાબેનને પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન-પરેશાન કરતો હોવાથી દંપતી સહિત ત્રણ વ્યક્તિએ નબીશાને પાવડો, કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જપ્ત કરી અન્ય શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500