Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો, આ હુમલામાં અત્યાર સુધી ૨૮ પર્યટકો માર્યા ગયા

  • April 23, 2025 

જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે, પર્યટકો માટે જાણિતા પહલગામમાં આતંકીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં ૨૮ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે ૨૦થી વધુ ઘવાયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના કાશ્મીર બહારના નાગરિકોને નિશાન બનાવીને આયોજનપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હતો. પર્યટકો પોતાનો જીવ બચાવવા ભાગે તે પહેલા જ આતંકીઓ આધુનિક બંદુકો સાથે તેમના પર તુટી પડયા હતા.


અને પર્યટન માટે જાણિતા પહલગામને લોહીયાળ કરીને પાછા જંગલમાં ભાગી ગયા હતા. દેશના અન્ય રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, આ સ્થિતિમાં અનેક પર્યટકો હાલ રાહત મેળવવા જમ્મુ કાશ્મીરના શિતળ પર્યટન સ્થળોની મુલાકાતે જઇ રહ્યા છે. જેનો લાભ લઇને આતંકીઓએ પહલગામમાં પહાડી પર આવેલા એક પર્યટન સ્થળ પર હુમલો કરી દીધો હતો. પર્યટકો શાંત અને શિતળ વાતાવારણમાં કુદરતના ખોળે આનંદ લઇ રહ્યા હતા, કેટલાક પર્યટકો ઘોડેસવારી તો કેટલાક સ્થાનિક સ્ટોલ પર નાસ્તા પાણી કરી રહ્યા હતા, એવામાં અચાનક જ પાસેના જંગલમાંથી ચારથી પાંચ આતંકીઓ બંદુકો સાથે આવી પહોંચ્યા હતા અને અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો.


આ હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવનારા અને બચી ગયેલા કેટલાક પર્યટકોએ આંખોમાં આંસુ સાથે ઘટનાનું વર્ણન કર્યું હતું અને વીડિયો બનાવી આપવીતી વર્ણવી હતી. સોશિયલ મીડિયા પર આ કરુણ વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં આ પર્યટકો જણાવી રહ્યા છે કે હુમલાખોર આતંકીઓમાંથી કેટલાક અમારી પાસે આવ્યા અને અમને નામ, ધર્મ વગેરે પૂછવા લાગ્યા હતા. અમારી પાસેથી માહિતી લીધા બાદ ગોળીબાર કરી દીધો હતો. કર્ણાટકના શિવમોગાના મંજૂનાથનું હુમલામાં મોત નિપજ્યું હતું, મંજૂનાથ પરિવાર સાથે રજાનો આનંદ માણવા પહલગામ પહોંચ્યા હતા, તેમની સાથે પત્ની અને પુત્ર પણ હતો. મંજૂનાથ તો હુમલામાં માર્યા ગયા હતા પરંતુ બચી ગયેલી પત્ની પલ્લવીએ આપવીતી વર્ણવી હતી, તેણે જણાવ્યું હતું કે અમે ત્રણ લોકો હતા, આ હુમલો બપોરે આશરે દોઢ વાગ્યા આસપાસ થયો હતો.


મારી સામે જ મારા પતિએ જીવ ગુમાવ્યો, આતંકીઓ હિન્દુઓને શોધી શોધીને ટાર્ગેટ કરી રહ્યા હતા, મે એક હુમલાખોર આતંકીને કહ્યું હતું કે મારા પતિને તો તે મારી નાખ્યો છે મને પણ મારી નાખ તો આતંકીએ મને કહ્યું હતું કે હું તને નહીં મારુ જા મોદીને આ હુમલાની વાત જણાવજે. બાદમાં હુમલાખોર ભાગી ગયો હતો અને કેટલાક સ્થાનિક લોકો અમારી મદદ માટે દોડી આવ્યા હતા. પહલગામ કાશ્મીર ઘાટીમાં આવેલું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે, આ પહેલા પુલવામામાં વર્ષ ૨૦૧૯માં સૌથી મોટો આતંકી હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. આતંકીઓ સામાન્ય રીતે સુરક્ષાદળો પર હુમલા વધુ કરતા જોવા મળ્યા છે, પરંતુ તાજેતરમાં પહેલી વખત આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે.


અમરનાથ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે જ આ હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હુમલા સમયે સાઉદી અરબની મુલાકાતે હતા, તેમણે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે જ હુમલાની આકરી ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, ઘવાયેલા લોકો સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરું છું. અસરગ્રસ્તોને તમામ મદદ પુરી પડાશે.  હુમલા પાછળ જવાબદારોને છોડવામાં નહીં આવે, તેમના રાક્ષસી એજન્ડા ક્યારેય સફળ નહીં થાય.


એવા અહેવાલો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને તાત્કાલીક તેમને જમ્મુ કાશ્મીર રવાના થવા કહ્યું હતું, જે બાદ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર દોડી ગયા હતા અને એનઆઇએ, રાજ્યના પોલીસ વડા અને ઉપરાજ્યપાલ વગેરેની સાથે ઇમર્જન્સીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ હુમલા બાદ જંગલોમાં ભાગી ગયેલા આતંકીઓની શોધખોળ માટે હાલ સૈન્ય અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે અભિયાન ચલાવાઇ રહ્યું છે. હેલિકોપ્ટરો, ડ્રોન વગેરેની મદદથી આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. આ હુમલામાં જે પણ પર્યટકો માર્યા ગયા છે તેમાં બે ભારત બહારના વિદેશી પર્યટકોનો પણ સમાવેશ થાય છે. જેમાં એક ઇટાલી અને એક ઇઝરાયેલના નાગરિક છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application