ભરૂચનાં દયાદરા ગામે પિકઅપ જીપની ટક્કરે બાઈક સવાર દંપત્તી તેમજ પુત્રનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પતિનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજયુ હતુ. જયારે પત્ની અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ તાલુકામાં આવેલા દયાદરા ગામે નાના ચકલા વિસ્તારમાં રહેતા ડેપ્યુટી સરપંચ વકીલાતનો વ્યવસાય કરે છે.
જોકે તેઓ સાંજે ગામના નવા બનેલા બગીચા પાસે ઉભા હતા. તે સમયે અચાનક ગામમાં જવાના રોડ પર કો-ઓપરેટીવ બેન્કના એટીએમ સામે અકસ્માત થવાનો અવાજ આવતા તેમણે તુરંત સ્થળ પર જઈ જોતાં તેમના ગામના સાદિક યાકુબ પટેલ (બરજી) તેમજ તેમની પત્ની તસ્લીમા અને પુત્ર ફૈઝાન ત્રણેય બાઈક સાથે રોડ પર પડેલા હતા જયારે બાજુમાં એક મહિન્દ્રા પિકઅપ ગામમાં જવાના મોઢાની ઉભેલી મળી આવી હતી.
પિકઅપમાં ડ્રાઈવર જણાયો ન હતો. જયારે પ્રાથમિક તબક્કે પિકઅપ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પિકઅપ હંકારી લાવી તેમની બાઈકને ટક્કર મારી હોવાનું માલુમ પડયુ હતુ. ઈજાગ્રસ્તોને તાત્કાલીક ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવયા હતા. જયાં પ્રાથમિક નિરિક્ષણમાં સાદિક પટેલનું મોત થયાનું તબીબે જણાવ્યુ હતુ. જયારે ફૈઝાન તેમજ તેની માતાને ઈજાઓ થઈ હોઈ તેમને દાખલ કરાયા હતા. બનાવને પગલે ગામનાં ડે.સરપંચ સઈદ પટેલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500