કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થઈ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોનાં મોત થઈ ગયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ વિમાન ક્રેશ થઈ ગયુ હતું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગાડે છે. તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
કેનેડા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટના સ્થળનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યુ છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે કોઈ જોખમની કોઈ સૂચના નથી મળી. જે પ્લેન ક્રેશ થયુ છે તેનું નામ પાઈપર પીએ-34 સેનેકા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્લેન ક્રેશ થવાનું કારણ હજું સુધી સ્પષ્ટ નથી થયું. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું કે, તે તપાસ કર્તાઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવી રહ્યા છે. ઈમરજન્સી હેલ્થ સર્વિસે જણાવ્યું કે, પાંચ એમ્બ્યુલન્સ અને એક પેરામેડિક સુપરવાઈઝર ક્રેશ સાઈટ પર પહોંચી ચૂકી છે. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર માર્ગ પર હતા પરંતુ દુર્ઘટના સ્થળ વિસ્તારમાં પહોંચતા પહેલા જ તેને રદ કરી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500