“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા...” સંસ્કૃતનાં આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃત્તિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃત્તિક ખેતીનું આહવાન કરી રહ્યા છે, જેને જગતના તાતે સર્હષ વધાવી લઈ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃત્તિક ખેતીના મંડાણ કર્યા છે.
ત્યારે આજે અહીં એવા ખેડૂતની સફળ પ્રાકૃત્તિક ખેતીની વાત કરવા જઈ રહ્યા છે કે, જેણે વલસાડની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઈ મિકેનીકલની ડિગ્રી મેળવી નાસીકમાં ઓટોમોબાઈલ્સ કંપનીમાં અન્જિનિયર પદે નોકરી મેળવી હતી પરંતુ આ નોકરી છોડી પરત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં વતનમાં આવી પ્રાકૃત્તિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં ધારવા કરતા બમણી સફળતા મેળવી માત્ર 33 વર્ષની વયે જ ડિસેમ્બર 2021માં જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તો મેળવ્યો જ સાથે ગાંધી જંયતિએ વર્ષ 2022માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન મેળવી નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવા વર્ગને પણ નવી રાહ ચીંધી છે.
તો આવો જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં...“ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો“ અને “સ્વસ્થ રહો”નો સંદેશ સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના ગામડાઓમાં ગુંજતો કરનાર કરજુન ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત રઘુનાથ જાનુભાઈ ભોયા જણાવે છે કે, પહેલા માતા પિતાજી રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા ત્યારે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિક્લયુક્ત ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા અને અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડતી હતી. એક દિવસ ગામમાં અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂત શિબિર હતી જેમાં વિસ્તરણ અરવિંદભાઈ પટેલે શક્કરીયાની ખેતીની સમજ આપી હતી બાદમાં તેમણે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટના અધિકારી અંકુરભાઈ પ્રજાપતિ સાથે પરિચય કરાવ્યો હતો. વર્ષ 2020માં પ્રથમ વર્ષે જ 1 એકરમાં 12 ટન શક્કરીયાનું મબલખ ઉત્પાદન કર્યું હતું.
ત્યારબાદ બીજા વર્ષે આ વિસ્તારમાં નહીવત જોવા મળતી ફણસીની ખેતી કરી તો 10 ટન ફણસીનું ઉત્પાદન થયુ જેની આવક રૂ 2 લાખથી પણ વધુ થઈ હતી. ફણસીની ખેતીનો પ્રયોગ પ્રથમવાર કર્યો જેમાં સફળતા મળતા આત્માના અધિકારીઓ અમારા ખેતરે આવી પ્રાકૃત્તિક ખેતી હજુ પણ વધુ સારી રીતે કરી શકાય તેની પધ્ધતિસરની સમજ અને માર્ગદર્શન આપ્યુ હતું. બાદમાં આત્મા દ્વારા અમદાવાદ ખાતે મને 7 દિવસની તાલીમ આપવામાં આવી હતી. દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે રૂ. 10,800 સીધા મારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ સિવાય ખેડૂત મિત્ર તરીકે મહિને રૂ1000 પણ આપવામાં આવે છે. રઘુનાથ ભાઈ વધુમાં કહે છે કે, પહેલા રાસાયણિક ખાતરથી ખેતી કરતા ત્યારે ખાતર અને દવાનો ખર્ચ તો રહેતો જ પણ જ્યારે ખેતરમાં પાકને જંતુનાશક દવાનો છંટકાવ કરતા તો સ્વાસ્થયને હાનિ થતી હતી પરંતુ હવે પ્રાકૃત્તિક ખેતીમાં ખાતર અને જંતુનાશકનો ખર્ચ ઝીરો થઈ ગયો છે અને સરકાર દ્વારા અપાયેલી તાલીમ મુજબ હવે પ્રાકૃત્તિક ખેતી માટે ઘરે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, બ્રમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર તેમજ દેશી ગાયના દૂધની ખાટી છાસનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી ઈયળ, ચૂસીયા જીવાત અને ફૂગનો નાશ થાય છે.
આ ખાતર પાકને ખોરાક તો આપે જ છે સાથે અળસિયાને પણ આકર્ષે છે જેથી 12 કલાક કામ કરતા અળસિયા 24 કલાક કામ કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 108 પ્રકારના 300 થી 500 કરોડ જીવાણુ હોય છે જે પાકના મૂળ સાથે મિશ્રણ થવાથી પાકને પોષણ મળે છે. હાલ એક એકર ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવર, લસણ, મરચા, કોબીજ, મૂળા, ધાણા, પાપડી, હળદર, શક્કરીયા, પપૈયા, પાલક, રાઈ અને વેગણ સહિતના પાક વર્ષ દરમિયાન કરુ છુ. હું પ્રાકૃત્તિક ખેતીને “ઝીરો બજેટ ખેતી” એટલા માટે કહુ છુ કે, 1 એકરમાં 15 ટન ટામેટા કરુ તેની સાથે ધાણા પણ રોપુ છુ જેથી ધાણાની આવકમાંથી ખેડાણ અને છોડનો રૂ 40,000નો ખર્ચ નીકળી જાય છે જેથી ટામેટાની રૂ. 2,10,000 આવક એ ચોખ્ખો નફો ગણાય છે.
દેશી ગાય આધારિત ખેતી કરવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યા વધે છે અને કાર્બન-નાઈટ્રોજનનો રેશિયો જળવાતા જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે જેથી જમીન બંજર બનતા અટકે છે. ખેતીમાં સિંચાઈની સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકારની સોલાર યોજનાના કનેકશનથી આવ્યો હતો. માત્ર રૂ 4000ના નજીવા ખર્ચે 3 એચપીની સોલારની 12 પેનલ વીજ કંપનીએ લગાવતા ખેતીમાં બારેમાસ પાણીની તકલીફ રહેતી નથી. ઝીરો વીજ બીલમાં ખેતી થઈ રહી છે. સાથે સોલાર ટ્રેપ પણ આત્માના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લગાવી છે જેનાથી રાત્રિ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ લાઈટ ચાલુ થતા પાક પર ઈંડા મુકવા આવતી જીવાત લાઈટથી આકર્ષાઈને અહીં આવે અને નાશ પામે છે. આ સિવાય ખેતરમાં ઝેરી સાપ કે વીંછીનું જોખમ રહેતુ હોવાથી નિંદામણ માટે કંઈક નવુ ઈનોવેશનના ભાગરૂપે વખરી અને પંજો નામનું સાધન જાતે બનાવ્યું છે જેના વડે સુરક્ષિત રહીને 10 માણસનું કામ એક વ્યક્તિ કરી શકે છે.
અંતે રઘુનાથભાઈ કહે છે કે, દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે, જમીન સુધરે છે, સ્વાસ્થ્ય સુધરે છે, સારૂ અનાજ મળે છે, ગૌમાતાની સેવા થાય છે, નહિવત ખર્ચ સામે આવક વધુ મળે છે, દેશી ગાયના નિભાવ માટે સરકાર પૈસા આપે છે, સોલાર કનેકશન વડે સિંચાઈ માટે બારેમાસ પાણી મળી રહે છે, 100 ટકા વીજળીની બચત થાય છે. નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃત્તિક ખેતી દ્વારા જ મળી શકે છે. આમ, એન્જિનિયર થેયલા રધુનાથભાઈએ નવા નવા ઈનોવેશન વડે સફળતાપૂર્વક પ્રાકૃત્તિક ખેતી કરી “ઝીરો બજેટ ખેતી“ના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યુ છે. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃત્તિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024