ગુજરાતનાં માથે ફરીવાર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે. તેની સાથે વેધર વોચ ગ્રુપની પણ બેઠક યોજાશે. જેમાં રાજ્યમાં વાવાઝોડાની સામે સુરક્ષાની તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્યની હાલની સ્થિતિ મામલે પણ ચર્ચાઓ કરવામાં આવશે. આ બેઠકમાં ગત પર્યાવરણ દિવસની ઉજવણીના સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવશે. આગામી 12 જૂનથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થશે.
તે ઉપરાંત રાજ્યમાં ગરમી અને વરસાદની સ્થિતિ હોવાથી પીવાનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને પશુઓ માટેના ઘાસચારાને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિકાસ લક્ષી પ્રોજેક્ટોને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. બીજી તરફ ગાંધીનગર ખાતે સાંજે ચાર વાગ્યે સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહેલા બીપરજોય વવાઝોડા મામલે ચર્ચાએ કરવામાં આવશે.
તે ઉપરાંત વાવાઝોડા અને દરિયામાં ઉદ્ભવેલા કરંટને લઈને દરિયા કાંઠે બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા હોવાથી વાવાઝોડાને લઈને બેઠકમાં ચર્ચા અને તંત્ર કેવી તૈયારીઓ રાખવી તે મુદે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. બેઠકમાં હવામાન વિભાગ, રાહત કમિશ્નર, રેવન્યુ વિભાગ, ઉર્જા વિભાગ, હેલ્થ વિભાગ NDRF અને SDRF સહિત અન્ય સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલ વાવાઝોડુ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વાવાઝોડાને લઈને ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનાઓ પણ આપી દેવાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે 11 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવી શક્યતા છે. વાવાઝોડાને કારણે રાજ્યના ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની શક્ચતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500