ગાંધીનગર શહેરના સુઘડની અષ્ઠ વિનાયક સોસાયટીમાં વેપારી સહિત ત્રણ લોકોને બંધક બનાવી રસોઈયા અને ડ્રાઇવરે ભેગા મળી માર મારી કૂતરાના બેલ્ટથી બાંધી દઇ ઘરના લોકરમાંથી 66 તોલા દાગીના અને 6 લાખ રોકડા મળી 47.43 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઇ જવાની ઘટનાએ શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સુઘડમાં અષ્ટવિનાયક – 36 સોસાયટીમાં બંગલા નં.4માં અપુર્વભાઈ રામેશ્વરનાથ ખન્ના પોતાની પત્ની રૂબી અને બે સંતાનો સાથે રહે છે. પત્ની અને સંતાનો હાલ દિલ્હી ખાતે રહે છે. અપૂર્વ ખન્ના તેમના ભાગીદાર પ્રવિણસિંહ સાથે અમદાવાદ ખાતે મોબાઇલ સોફ્ટવેર બનાવવાનો અને સ્ક્રેપનો વેપાર કરે છે.
છેલ્લા ચારેક વર્ષથી તેમના ઘરે રસોઈ બનાવવાનું કામ અભિષેક કૈલાશચંદ ભેરવા (રહે. રાજસ્થાન) કરતો હતો. રસોઇયાના પરિચિત મનોજ મીણાને તાજેતરમાં ડ્રાઇવર તરીકે રાખ્યો હતો. થોડા દિવસ અગાઉ અભિષેક નશો કરેલી હાલતમાં મળતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એજન્સી મારફતે રાજેશ રવિન્દ્ર મંડલને નોકરી ઉપર રસોઈયા તરીકે રાખવામાં આવ્યો હતો. ગત શુક્રવારની રાત્રે અપૂર્વભાઈ તેમના ઘરના રૂમમાં સૂઈ રહ્યા હતા. દરમિયાન વહેલી પરોઢે ડ્રાઇવર મનોજ મીણા અને જૂનો રસોઈયો અભિષેક ભેરવા તેમના રૂમમાં પહોંચ્યા હતા અને લાકડીથી માર મારવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ આ બંનેએ લોકરની ચાવી મેળવી લીધી હતી અને લોકરમાંથી 66 તોલા સોનાના દાગીના, 6 લાખ રૂપિયા રોકડા અને ત્રણ ઘડિયાળ તેમજ મોબાઈલ પણ લઇ લીધા હતા. દોરીથી તેમના હાથ પગ બાંધી દીધા હતા અને અન્ય રસોઇયા રાજેશ મંડલ અને ડ્રાઇવર શૈલેષ કેસાજી ભીલને પણ રૂમમાં લાવીને માર મારી બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ અપૂર્વનું મોપેડ લઈને આ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ અપૂર્વ ખન્નાએ આ ઘટના અંગે પોતાના ભાગીદાર પ્રવિણસિંહને જાણ કરી હતી અને અડાલજ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500