પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે, હવે મિઝોરમ વિધાનસભાની મતગણતરી રવિવાર તારીખ 3 ડિસેમ્બર બદલે સોમવારે 4 ડિસેમ્બર થશે. ચૂંટણી પંચે કહ્યું કે, મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. આ કારણોસર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ અમને તારીખ બદલવાનું કહ્યું હતું. મિઝોરમની 40 સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. અગાઉ મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે એટલે કે 3 ડિસેમ્બરે જાહેર થવાના હતા.
ખરેખર તારીખ 3જી ડિસેમ્બરે રવિવાર છે. ખ્રિસ્તી સમુદાયના લોકો ખાસ કરીને રવિવારે ચર્ચમાં જાય છે. આ કારણોસર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે. લોકો માંગ કરી રહ્યા હતા કે પરિણામની તારીખમાં ફેરફાર કરવામાં આવે. દરમિયાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે ચૂંટણી પંચે નિર્ણય કરવામાં આટલો મોડો કેમ કર્યો. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોએ મિઝોરમમાં ચૂંટણી પરિણામોની તારીખ બદલીને તારીખ 4 ડિસેમ્બર કરવાનું કહ્યું હતું. એક મહિના પહેલા પણ આ જ માંગણી કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચ મૌન રહ્યું હતું. હવે અણીએ આવી ગયા બાદ તારીખ લંબાવવામાં આવી છે. આટલું સરળ અને સ્પષ્ટ પગલું ભરવામાં વિલંબ શા માટે કર્યું હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500