Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનું ગૌરવ : નિકિતા સરહદની સુરક્ષા માટે અને સુનામી એ શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કર્યું

  • March 08, 2021 

21મી સદીમાં આપણો દેશ જેવી રીતે આત્મનિર્ભર બનવા અગ્રેસર છે તેવી જ રીતે દેશની દીકરીઓ પણ આત્મનિર્ભર બની રહી છે. એવામાં સમગ્ર તાપી વાસીઓ માટે પણ ગર્વની વાત છે કે આદિવાસી સમાજની દીકરીઓ આજે સમાજ સહિત જિલ્લાનું નામ રોશન કરી રહી છે. એક દીકરી શિક્ષણ ક્ષેત્રે તો બીજી દીકરી સરહદની સુરક્ષા માટે પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે.

 

 

સૌ પ્રથમ વાત કરીએ નિકિતા ગામીતની કે જેઓ તાપીની એક માત્ર દીકરી છે જે પ્રથમવાર બીએસેફમાં પસંદગી પામી છે. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાંથી બીએસેફમાં સિલેક્ટ થનાર હું પ્રથમ મહિલા છું એ વાત જાણી મને એટલી ખુશી નથી જેટલી મને ખુશી થઈ રહી છે કે મારી પસંદગી દેશની સેવા અને સુરક્ષા કરવા માટે થઈ છે. તેમણે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, હું બાળપણથી જ વિચાર કરતી આવી છું કે મારે દેશ માટે કંઈક કરવું છે, પરંતુ શુ કરવું તે વિચાર્યું નહિ. જેમ મને સમજ પડવા લાગી તો મે વિચારી લીધું કે પોલીસ ખાતામાં તથા આર્મીમાં જઈશ. હું બે વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવી રહી છું અને સાથે સમય કાઢીને અભ્યાસ પણ કરતી અને વહેલી સવારે ઉઠીને દોડવા જતી એવામાં બીએસએફની ભરતી પડી અને એમાં હું પાસ થઈ.

 

 

28 વર્ષીય નિકિતા ગામીતના વિચારો પણ એમના સફળતા મેળવવાના ઈરાદા જેટલા મજબૂત છે. અમુક લોકોની માનસિકતા વિશે જણાવતા એમને કહ્યું કે, દીકરાઓ ભરતીમાં જોડાય તો ગર્વ થાય છે અને દીકરી જોડાય તો પણ ગર્વ થાય છે પરંતુ એવા વિચાર શરૂ થઈ જતા હોય છે કે પરિવારથી દૂર કેવી રીતે રહીશ, સિટીમાં જ કામ કરવું જોઈએ. મારુ માનવું છે કે બધાને બધી જ નોકરી મળી જતી હોય છે પરંતુ આ નોકરી નથી એક જવાબદારી છે અને દેશની સુરક્ષા કરવા માટે મને મળેલ અમૂલ્ય તકથી હું ખૂબ જ ખુશ છું અને ગૌરવ અનુભવી રહી છે. માત્ર નિકિતા જ નહીં પરંતુ તેમના કરતા વધુ ખુશ તેમની માતા રતનબેન લાગી રહ્યા હતા. તેમની સાથે વાત કરતા ખરેખર ભારતીય હોવાનો સાચો ગર્વ થઈ રહ્યો હતો. તેમની માતાએ કહ્યું કે, મને ખુબ જ ગર્વ થઈ રહ્યો છે કે મારી દીકરી દેશની સેવા માટે યોગદાન આપશે. તેમની માતાએ જણાવ્યું કે, કોઈએ તેમને પૂછ્યું કે BSF માં નોકરી મળી છે બરાબર પરંતુ સેલેરી કેટલી મળશે, ત્યારે એ બેનને કીધું કે મારી દીકરીને નોકરી નથી મળી દેશ માટે કંઈક કરવા માટેની અમૂલ્ય તક મળી છે જે નસીબવાળાને જ મળે છે. દેશની સુરક્ષા કરતા વધુ મહત્વની ફરજ શુ હોઈ શકે છે. વધુમાં તેમને કહ્યું કે મારી દીકરીને સેલેરી માટે નહીં દેશની સુરક્ષા માટે મોકલી રહી છું અને મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ છે. તાજેતરમાં જ દીકરી નિકિતની જિલ્લા કલેક્ટર આર.જે. હાલાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.

 

 

એક દીકરીનું દેશપ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ચાહ તરફ તો નજર કરી પરંતુ બીજી દીકરીએ શિક્ષા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સોનગઢના ચીમકુવા ગામની દીકરી સુનામી ઉકાજીભાઈ ગામીતે એમ.એડમાં સૌથી વધુ ગુણ હાંસલ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી જેને હાલમાં જ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું છે. અંતરિયાળ વિસ્તારના ગામડામાંથી શિક્ષણમાં ખરેખર સુનામી લાવનાર આ દીકરીને સલામ છે. એક કહેવત તો આપણે સૌ સાંભળતા આવ્યા છે કે, એક પુરુષને શિક્ષિત કરવામાં આવે તો તે પોતે જ શિક્ષિત બને છે, પરંતુ એક મહિલાને શિક્ષિત કરવામાં આવે તો સંપૂર્ણ પરિવાર શિક્ષિત થાય છે.

 

 

મુલાકાત સમયે સુનામીએ જણાવ્યું હતું કે, મારા પિતા ખેતીકામ કરે છે અને તેઓ ભણી શકયા નહોતા, પરંતુ તેઓ પોતાની ત્રણેય દીકરીને ભણાવી પગભર કરવા માંગે છે. પિતાના અકસ્માત બાદ કામ કરી એક નાની દુકાન શરૂ કરી હતી પરંતુ તે ચાલી નહિ. મારા પિતા સમજે છે કે આજના સમયમાં  માત્ર શિક્ષણ જ એક હથિયાર છે જે સમાજમાં માન-સન્માન સાથે સારું જીવન જીવવા જરૂરી છે. તે માટે તેઓ અમે ત્રણેય બહેનોને સતત શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.  મારી મોટી બહેન સ્નાતક બની છે અને નાની બહેન પણ એમ.એસ.સી. પૂર્ણ કરી હાલ એમ.એડ કરી રહી છે.

 

 

સુનામીએ જણાવ્યું કે, પરિવારમાં આર્થિક સંકટ આવતા અભ્યાસ સાથે જોબ પણ કરી અને આયોજનબદ્ધ રીતે અભ્યાસ માટે સમય ફેલાવ્યો છે જેનું પરિણામ એ છે કે હું હાલ TAT હાયરસેકન્ડરી ગ્રાન્ટેડ ભરતી 11-12 સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે અને જિલ્લામાં પ્રથમ ક્રમે રહી છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું છે અને ટૂંક સમયમાં જ મને જોબ મળી જશે.

 

 

કહેવાય છે કે કોઈ પણ વિદ્યાર્થી સફળ થાય તેની પાછળ પરિવાર તો હોય જ પરંતુ એક ગુરુનો પણ સાથ હોય છે. આપણી સંસ્કૃતિમાં ગુરુને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે જેઓ વિદ્યાર્થીઓને શિક્ષા સાથે જીવન જીવવાનો સાચો માર્ગ અને માર્ગદર્શન પણ આપે છે. વિદ્યાર્થીઓ સફળ થાય તો માતા પિતા સાથે ગુરુને પણ સૌથી વધુ ગર્વ થાય છે. ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપભાઈ ચૌધરી સાથે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે, ભણવામાં ખૂબ જ તેજસ્વી આ દીકરીઓએ અમારી શાળામાં અભ્યાસ કર્યો છે. વધુમાં પ્રદીપભાઈએ જણાવ્યું કે, દીકરી સુનામી માટે ખૂબ જ ગર્વ છે.  વધુમાં તેમણે જણાવ્યું કે, હું હોવું કે અન્ય કોઈ શિક્ષક તેઓ એવું જ વિચારશે કે તેમના તમામ વિદ્યાર્થીઓ સફળ થાય અને દેશનો એક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને અને સારું જીવન જીવે. તાપીની બંને દીકરી નિકિતા અને સુનામીએ પોતાના પરિવાર સાથે સમાજ તથા તાપી જિલ્લાને પણ ગૌરવાંવિત કર્યું છે. દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે અને પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application