અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા સિંધુભવન વિસ્તારમાં વાહનો પર સ્ટંટ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. કોઇ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટે તો કોઈ રોલો પાડવા માટે સ્ટંટ કરતાં હોય છે.આ સ્ટંટના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે લોકોના જીવ જોખમમાં મુકનાર વધુ એક નબીરાને પોલીસે પકડીને પાઠ ભણાવ્યો છે. આ વિસ્તારમાં કારમાં સ્ટંટ કરતા લુખ્ખા તત્વોમાંથી એક આરોપી વોન્ટેડ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું.
પોલીસે આરોપીને પકડીને તે જગ્યાએ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આરોપીને ઉઠક બેઠક કરાવીને સમજાવ્યું હતું કે, આ ગાડી તેના બાપની માલિકીની છે પણ આ રોડ તેની માલિકીનો નથી. અમદાવાદમાં સિંધુભવન રોડ પર થોડા દિવસ પહેલા કેટલાક નબીરાઓ માલેતુજાર હોવાનો દેખાડો કરવામોંઘી કાર લઈને સ્ટંટ કરી રહ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સમગ્ર મામલાની તપાસ સરખેજ પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી.સરખેજ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. જે તે સમયે પોલીસે આ કેસની અંદર ઘણા બધા આરોપીને પકડ્યા હતા. પરંતુ આ સમગ્ર આરોપીઓની વચ્ચે એક આરોપી વોન્ટેડ પણ હતો જેને પોલીસે બાદમાં શોધી કાઢ્યો છે પોલીસે આ આરોપીને સિંધુભવન રોડ પર લઈ જઈને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
પોલીસનું માનવું છે કે જાહેર રોડ પર આ રીતે સ્ટંટ કે લોકોનો જીવ જોખમમાં મૂકવો તે ખૂબ જ ગંભીર બાબત છે અને રૂપિયાના જોરે કોઈ પણ આવુ કરશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. સરખેજ પોલીસે આ બનાવવામાં જુનેદ મિર્ઝાની સંડોવણી પણ શોધી કાઢી છે. જે સંદર્ભે પોલીસે આ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાવેદને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ તેને બનાવના સ્થળ લઈ ગઈ અને તેને તેનું લેવલ સમજાવવા પ્રયાસ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500