સુરતના વેસુમાં ત્રણ અઠવાડીયા અગાઉ શ્વેતામ્બર મુર્તી પુજક તપાગચ્છ જૈન સંઘ હોલમાંથી છ મહિલાની રૂ.6.97 લાખની સોનાની ચેઈન તોડી ફરાર મહિલા ગેંગની સૂત્રધારને ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણ પોલીસે દિલ્હીથી ઝડપી લીધી છે.ઠગ-ઠગ ગેંગ તરીકે પણ જાણીતી મહિલા ગેંગ દેશભરમાં જૈન લોકોના પ્રસંગમાં તેમના જેવા કપડાં પહેરી હાજર રહી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન ચોરે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ કેનાલ રોડ કેપીટલ ગ્રીનની બાજુમાં શ્વેતામ્બર મુર્તી પુજક તપાગચ્છ જૈન સંઘ હોલમાં મહિના અગાઉ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર મહિલાઓની ભીડનો લાભ લઈ છ મહિલાની રૂ.6.97 લાખની સોનાની ચેઈન તોડી ફરાર ત્રણ મહિલાની અલથાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની સંયુક્ત ટીમે તેના આધારે દિલ્હી પહોંચી ત્યાં ત્રણ દિવસ રોકાણ કરી મહિલા ગેંગની સૂત્રધાર વનીતા જયચંદ રંગાસ્વામી ( ઉ.વ.32, રહે.પ્લોટ નં.50, ગાયત્રી નગર, મંગોલપુર, જૂની દિલ્હી. મૂળ રહે.તમિલનાડુ ) ને ઝડપી લીધી હતી.
પોલીસે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિલ્હીમાં તેઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની મહિલાઓ ચોરી અને ઠગાઇમાં સામેલ હોય ત્યાંની ગેંગને પોલીસે જ ઠગ-ઠગ ગેંગ નામ આપ્યું છે.પોલીસ પકડવા આવે ત્યારે હુમલો પણ કરતી આ ગેંગમાં ત્રણ મહિલા સામેલ છે.તેઓ ઓનલાઈન અને સોશિયલ મીડિયામાં સર્ચ કરી જૈન લોકોના પ્રસંગની માહિતી મેળવી જે તે શહેરના નજીકના શહેરમાં ટ્રેનમાં આવી ત્યાંથી બસમાં જે તે શહેરમાં આવે છે.બાદમાં રીક્ષામાં જૈન લોકોના પ્રસંગમાં તેમના જેવા કપડાં પહેરી હાજર રહી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન ચોરે છે.વનીતા અગાઉ અમદાવાદ અને ભુજમાં ત્રણ ગુનામાં ઝડપાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500