ધોરાજીમાં સગીર વયની દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પિતાને 20 વર્ષની સજા કેદની ફટકારાઇ છે. જેમાં પરદાદીની હાજરીમાં પણ સગીરા પર દુષ્કર્મ થતું હોવાની હકીકત અદાલત સમક્ષ આવી હતી. વળી, નરાધમા પિતા પર દારૂ, જુગાર અને પોતાની પત્નીને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદને લઈ ખૂબ જ ઓછા સમયમાં આખો કેસ ચલાવી આજીવન કેદની સજા ફટકારી છે.
ધોરાજી તાલુકામાં રહેતા આરોપીએ તેની સગી દીકરી પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાવવા માટે ભોગ બનનારની પરદાદી પણ પોલીસ સ્ટેશન ગયેલા હતા. ભોગ બનનારની આપવીતી એવી હતી કે તેની સગી માતા તે માત્ર છ માસની હતી ત્યારે અવસાન પામી હતી. જેથી પોતાના દાદી અને પરદાદી સાથે રહેતી હતી. સંગીરાના પિતા સામે તે સમયે પોતાની પત્નીને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો દાખલ થયેલો હતો. પરંતુ તે કેસમાં સજા થઈ શકી ન હતી. પિતાએ બીજા લગ્ન કરેલા અને નવા પત્ની અને પરિવાર સાથે તે જ ગામમાં રહેતા હતા. ત્યારબાદ બનાવથી થોડા સમય પહેલા ભોગ બનનારને પોતાની ઘરે બોલાવી નરાધમ પિતાએ રાત્રિના સમયે બે વખત દુષ્કર્મ આચરેલું હતું. સગીર વયની ભોગ બનનાર આ હેવાનિયતનો શિકાર બની અને લાચારી સાથે આગળ શું કરવું તે વિચારી શકતી ન હતી.
ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદીએ પણ પોતાની જુબાનીમાં જણાવેલું કે, આરોપીનો ભય તેની પરદાદીને પણ હતો અને તે ઘરના કોઈપણ વ્યક્તિને મારી લેતો. આરોપીને આ દુષ્કર્મ કરતાં અટકાવવામાં આવે તો તે કહેતો કે 'મારી દીકરી છે. મારે તેની સાથે જે કરવું હોય તે કરૂં' આવું કહી અને આ દુષ્કર્મનો સિલસિલો વારંવાર ચાલુ રહ્યો. અંતે ભોગ બનનારે હિંમત કરી કાયદાનો સહારો લીધો છે. ધોરાજી તાલુકાના કોઈ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની ફરિયાદ નોંધાવેલી. તત્કાલીન પીએસઆઇ કે એમ ચાવડાએ આ ગુનાનું કોગ્નિઝન્સ લેવાય તે રીતે ફરિયાદ નોંધ અને ખૂબ જ ટૂંકા સમયમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલત સમક્ષ રજૂ કરી દીધેલું હતું. ધોરાજીના એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શેખએ બંને પક્ષોની દલીલો સાંભળી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વંચાણે લઇ આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં ગુનેગાર ગણી 20 વર્ષની કેદની સજા તથા રોકડ દંડ ફટકારેલો છે તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500