અરવલ્લી જિલ્લો બોર્ડર વિસ્તારનો જિલ્લો છે. આ વિસ્તારમાં ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પ્રમાણ અન્ય જિલ્લા કરતા વધારે રહી શકે છે. જેને લઈ અહીં બોર્ડર વિસ્તારની પ્રવૃત્તિઓ પર નજર સતત રાખવી જરુરી છે. આ માટે જિલ્લા પોલીસ સતત સતર્ક રહે એ જરુરી છે. આવી સ્થિતિમાં હવે વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની વર્તમાન જવાબદારીને બે હિસ્સામાં વહેંચવાનો રાજ્યના ગૃહ વિભાગે નિર્ણય કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગે મોડાસા બાદ બાયડમાં પણ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરુ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. જેને લઈ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યુ હતુ. દરમિયાન અહીં કોઈ DySP અધિકારીની નિમણૂંક નહીં કરાતા કચેરી શરુ થવાની રાહ જોવાઈ રહી હતી.
બાયડમાં નાયબ ક્લેકટરની કચેરી શરુ કરવામાં આવી ત્યારથી અહીં DySP કચેરીની માંગ વર્તાઈ રહી હતી. આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી. બાયડ ડિવિઝનની કચેરીની શરુઆત કરતા મંગળવારે ખુલ્લી મુકવામાં આવી હતી. મોડાસા DySP કેજે ચૌધરીએ રીબીન કાપીને કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવા ડિવિઝન વિસ્તારના પોલીસ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. ડિવિઝનની શરુઆત થવાને લઈ તાબામાં આવતા પોલીસ મથક વિસ્તારોમાં હવે સુપરવિઝન કરવા માટે DySP સ્તરના અધિકારી સ્થાનિક સ્તરે હોવાને લઈ ગુનાઇત પ્રવૃતિઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા માટે ત્વરીત પગલા ભરી શકાશે.
જિલ્લામાં એક ડિવિઝનમાંથી વિભાજન કરીને બે પોલીસ ડિવિઝન શરુ કરવામાં આવતા, નવી વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકનો ચાર્જ મોડાસા DySP કેજે ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આમ કેજે ચૌધરી નવા DySP અધિકારીની નિમણૂંક ના થાય ત્યાં સુધી ચાર્જ સંભાળશે. ટૂંક સમયમાં જ રાજ્યના ગૃહ વિભાગના દ્વારા બદલીઓનો તબક્કો આવનારો છે, જેમાં બાયડના નવા DySPની નિમણૂંક થઈ શકે છે. આમ નવી નિમણૂંક સુધી DySP કેજે ચૌધરી ચાર્જ સંભાળશે. નવા ડિવિઝનમાં બાયડ પોલીસ મથક ઉપરાંત સાઠંબા, આંબલિયારા, ધનસુરા અને માલપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ બાયડ, માલપુર અને ધનસુરા તાલુકા વિસ્તારમાં આવતા પોલીસ મથકોનો સમાવેશ બાયડ ડિવિઝનમાં કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા એક બાદ એક સુવિધાઓ વધારવાનો નિર્ણય ગૃહ વિભાગ કરી રહી છે. આ રીતે જ બે ડિવિઝન જિલ્લામાં અસ્તિત્વમાં આવ્યા છે. આમ જિલ્લામાં હવે હેડ ક્વાર્ટર, એસસી અને એસટી સેલ, મોડાસા વિભાગ બાદ હવે બાયડ વિભાગ શરુ થતા ચાર DySP સ્તરના અધિકારીઓ ફરજ બજાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500