કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીએ યશવંત વર્માને શપથ લેવડાવ્યા હતા. જજોની શપથવિધિ સામાન્ય રીતે ચીફ જસ્ટિસ કોર્ટ રૂમમાં થાય છે, જેમાં હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોને આમંત્રિત કરવામાં આવે છે. જોકે વિવાદોના કારણે જસ્ટિસ યશવંત વર્માએ ચીફ જસ્ટિસની ચેમ્બરમાં જ શપથ લીધા છે. કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયા બાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે 28 માર્ચે કોલેજિયમની ભલામણને મંજૂરી આપી હતી.
જસ્ટિસ યશવંત વર્માએ શનિવાર, 5 એપ્રિલના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જોકે જ્યાં સુધી કેશ કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવશે નહીં. આ પગલું સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલે નિર્દેશ આપ્યો હતો. નોટ રિકવરી કેસમાં ફસાયા બાદ જસ્ટિસ યશવંત વર્માની દિલ્હી હાઈકોર્ટમાંથી બદલી કરવામાં આવી છે.
ગયા મહિને હોળીના તહેવાર પર જસ્ટિસ વર્માના દિલ્હીના આવાસના બહારના ભાગમાં આગ લાગી હતી. આગ ઓલવવા ગયેલા ફાયર બ્રિગેડ દ્વારા ચલણી નોટનો મુદ્દામાલ બહાર આવ્યો હતો. આનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. આ પછી જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જો કે, ન્યાયાધીશે આરોપોને નકારી કાઢ્યા અને તેમાં પોતાને ફસાવવાનું કાવતરું ગણાવ્યું. ત્યારબાદ, ચીફ જસ્ટિસએ 22 માર્ચે આંતરિક તપાસ શરૂ કરી અને જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ કરવા માટે ત્રણ હાઈકોર્ટના ન્યાયાધીશોની એક પેનલની રચના પણ કરી. દરમિયાન, કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમના વતન અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવાની ભલામણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500