Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગ : પનીરનું શાક અને ગાજરનો હલવો ખાધા બાદ મહેમાનોની તબીયત બગડી હોવાનું અનુમાન

  • March 09, 2024 

ગાંધીનગરના સેકટર-24 રંગમંચ ખાતે ગુરુવારે આયોજીત એક લગ્નપ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા 20 લોકોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી હતી. લગ્નપ્રસંગમાં પનીરની સજ્જી અને ગાજરનો હલવો આરોગ્યા બાદ ફૂડ પોઈઝનીંગની અસર થઈ હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે.


ગાંધીનગરમાં સેક્ટર – 24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરે લગ્ન પ્રસંગ નિમિતે સેકટર–24 રંગમંચ ખાતે જમણવાર રાખવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. જેઓને પનીરની સબજી, ગાજરનો હલવો સહીતની વાનગીઓ પીરસવામાં આવી હતી. બીજી તરફ વહેલી સવારે 90 થી 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થઈ હતી.


ફૂડ પોઈઝનિંગની અસરના પગલે અમુક મહેમાનોની ઝાડા ઉલ્ટી થવા લાગી હતી. જેથી અસરગ્રસ્ત દર્દીઓને સેકટર – 24 આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વહેલી પરોઢિયે બનાવની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્યની ચાર ટીમોએ વહેલી સવારથી જ સર્વેલન્સ શરૂ કરી દઈ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પાંચ દર્દીઓને ગાંધીનગર સિવિલ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય 15 દર્દીઓને સેકટર–24 આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરી સારવાર અપાઈ રહી છે. જ્યારે અન્ય લોકોને ફૂડ પોઈઝનિંગની સામાન્ય અસર વર્તાઈ હતી.


આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, સેકટર–24 રંગમચમાં લગ્ન પ્રસંગે ભોજન ખાધા બાદ 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના રોગચાળા અધિકારી હેમા જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટનાની જાણ થતા મનપાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જરુરી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગરના સેકટર-24માં લગ્નપ્રસંગના રિસેપ્શનમાં 250થી 300 લોકોએ ભોજન લીધું હતું. જેમાં 98 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા 5 લોકોને ગાંધીનગર સિવિલ ખાતે અને 15 લોકોને અર્બન હેલ્થ સેન્ટર, સેકટર-24માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામની તબિયત હાલ સુધારા પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application