સુરત જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારીઓએ કોરોના ટેસ્ટ સહિત રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોરોના મહામારીને નાથવા સાથેજ શિક્ષણકર્મીઓને હકારાત્મક સંદેશો પાઠવવા સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુ તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઈ દરજીએ ઓલપાડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંધીએર ખાતે કોવિડ-૧૯ એન્ટીજીન ટેસ્ટ કરાવ્યો હતો. જે ટેસ્ટમાં બંને અધિકારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
ત્યારબાદ તેમણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસીકરણ બાદ બંને મહાનુભવોએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને રાજ્ય સહિત સુરતમાં પણ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે ત્યારે આ મહામારીને નાથવા રાજ્યનું આરોગ્યતંત્ર સતત ચિંતિત અને કાર્યશીલ છે. તંત્ર દ્વારા લોકહિતમાં તબક્કાવાર સૌનું રસીકરણ થાય એવા પ્રયાસો સતત ચાલુ રહેશે. આ માટે લોકો પણ જાગૃત થઈને વેકસીન લે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ રસીકરણ વેળાએ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા તાલુકા આરોગ્ય અધિકારી સેલરે તેમજ શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત રહી લોકોને સવેળા રસી મૂકાવવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500