ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાલેજ હાઇવે ઉપર વોચ ગોઠવી સિટી પોઇન્ટ હોટલ નજીકથી દારૂની 64,800 બોટલ સાથે કુલ 75.87 લાખના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, એલ.સી.બી.નાં પી.આઈ.એ ટીમો બનાવી ક્વોલિટી કેસો શોધી કાઢવા એલર્ટ કર્યા હતા. જેમાં રવિવારે રાતે પી.એસ.આઈ. અને તેમની ટીમ બાતમી આધારે પાલેજ નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચમાં ગોઠવાઈ હતી. તે દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું ગેસ ટેન્કર આવતા તેને અટકાવાયું હતું. આમ પોકેટ કોપ મોબાઇલની મદદથી જોતા ગેસ ટેન્કરનો ઓરીજનલ નંબર RJ/06/CD/1923 બદલી નખાયો હતો અને પોલીસે ગેસ ટેન્કર ખોલી તપાસ કરતા અંદર દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.
આમ, ટેન્કર ચાલક રાજસ્થાનના ઉદયપુરના ધર્મેશ પુરષોતમ ચોબીસાની ધરપકડ કરી ગેસ ટેન્કરની આડમાં રહેલ દારૂની 1350 પેટીઓ, 64800 બોટલ કિંમત રૂપિયા 64.80 લાખ, 2 નંગ મોબાઈલ, ટેન્કર મળી કુલ પોણા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજસ્થાનના બે આરોપી વિક્રમસિંગ રાઠોડ અને દેવીલાલ ટીલારામને વોન્ટેડ જાહેર કરાયા છે. જયારે ગોવાથી ગેસ ટેન્કરમાં કોણે દારૂ ભરાવ્યો હતો અને ગોધરામાં કોણે મંગાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500