સુરત ક્રાઈમ બ્રાંચે 19.62 લાખની કિંમતના મેફેડ્રેન ડ્રગ્સની હેરાફેરી બદલ નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા આરોપી યુવકની નિકાહ માટે 60 દિવસના વચગાળાના જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવદીએ નકારી કાઢી છે.
સુરત ક્રાઈમ બ્રાંચે ગઈ તા.24-9-21ના રોજ બાતમીના આધારે કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈ નાલાસોપારાના વોન્ટેડ આરોપી શાહિદ પાસેથી કુલ રૃ.19.62 લાખની કિંમતના 192 ગ્રામ મેફેડ્રેન ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો લઈને રોડ માર્ગે સુરતમાં પ્રવેશતા આરોપી ડ્રાઈવર ઈમરાન અબ્દુલ રસીદ શેખ(રહે.શેખ કાલા સ્ટ્રીટ,રાંદેર),ઈમરાન ઉર્ફે બોબા ફકરૃદ્દીન ખાન(રે.સુલતાનીયા જીમખાના કોઝ વે રોડ રાંદેર) તથા મુઆઝ ઉર્ફે મઝ ઈબ્રાહીમ સૈયદ(રે.લાલ બાગનો ટેકરો,આમલીપુરા રાંદેર)ને નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ ઝડપી લીધા હતા.જેલવાસ ભોગવતા 21 વર્ષીય આરોપી મુઆઝ સૈયદે આ કેસમાં ચાર્જશીટ રજુ થઈ ગયું હોઈ પોતાના નિકાહ તા. 27મી મેના રોજ તથા દાવત ૨૮મી મેના રોજ હોઈ લગ્ન પહેલાં તથા લગ્ન બાદ 15 દિવસ મળીને કુલ 60 દિવસ વચગાળાના જામીન આપવા માંગ કરી હતી.
આરોપીએ નિકાહ માટે નાણાંકીય વ્યવસ્થા કરવા,ગેસ્ટની યાદી કરવા,મહેરની રકમ નક્કી કરવા સહિતના કારણોસર વચગાળાના જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ તપાસ અધિકારીનો રિપોર્ટ રજુ કર્યો હતો.જેમાં આરોપીના નિકાહના આયોજનની વાતને સમર્થન મળ્યું હતુ.પરંતુ આરોપીએ મેરેજનું સ્થળ,મેનુ,કુક તથા કાઝી વગેરેની વિગતો જાહેર કરી નથી.આરોપી પાસેથી મળેલા એમડી ડ્રગ્સનો જથ્થો કોમર્શિયલ કોન્ટીટીનો હોઈ એનડીપીએસ એક્ટની સેકશન-37નો પણ બાધ નડે તેમ છે.સરકારપક્ષે સુપ્રિમ કોર્ટે યુનિયન ઓફ ઈન્ડીયા વિ.રામ સમુઝ 1999ના કેસમાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતને ટાંક્યો હતો.જે મુજબ હત્યા કેસનો આરોપી એક કે બે વ્યક્તિની હત્યા કરે છે.પરંતું નાર્કોટીક્સ ડ્રગ્સની સાથે સંકળાયેલા લોકોના ડ્રગ્સના માધ્યમથી સંખ્યાબંધ નિર્દોષ યુવાનોના ભોગ લે છે.જે સમાજ વિરોધી ગુનો હોઈ આવા કેસમાં વચગાળાના જામીન પર પણ મુક્ત કરવામાં આવે તો ફરી આવી ગુનાઈત પ્રવૃત્તિ આચરે તેવી સંભાવના છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500