ઓડિશાનાં બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માત બાદ રાહત તેમજ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે આ રૂટ પર રેલ વ્યવહાર ફરી શરૂ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલેશ્વર જિલ્લાનાં બહાનાગા પાસે થયેલા ટ્રેન અકસ્માતમાં CBI તપાસ કરવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ સાંજે ભુવનેશ્વરમાં પત્રકારોને કહ્યું કે, અમે 3 ટ્રેન સાથે જોડાયેલા અકસ્માતની CBI તપાસની ભલામણ કરી છે.
આ અકસ્માતમાં 275 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી બાલાસોર, કટક અને ભુવનેશ્વરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને શક્ય તમામ સારવાર પુરી પડાઈ રહી છે. હોસ્પિટલમાં દર્દીઓને તમામ સુવિધાઓ અપાઈ રહી છે. ડોક્ટરોની ટીમ પણ 24 કલાક દર્દીઓની સારવાર કરી રહી છે.
તેમણે કહ્યું કે, સરકાર મૃતકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે ઓડિશાનાં બાલાસોર પાસે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી, જેને દેશની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક કહેવામાં આવી રહી છે. દરમિયાન ઓડિશા સરકારે ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 288 જણાવ્યો હતો.
જોકે તપાસ કરાયા બાદ મૃત્યુઆંક 275 અને ઈજાગ્રસ્તોની સંખ્યા 1175 હોવાની આજે જાહેરાત કરી છે. મુખ્ય સચિવ પી.કે.જેના જણાવ્યા અનુસાર, કેટલાક મૃતદેહોની ગણતરી 2 વખત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વિગતવાર ચકાસણી અને બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટના રિપોર્ટ બાદ મૃત્યુઆંક 275 પર પહોંચ્યો હોવાનું જાહેર કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500