તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતા અટકાવવા માટે ખરેખર તંત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. કલેક્ટર આર.જે.હાલાણીના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાને લેતા લોકોને કોરોનાથી બચવા અને વેક્સિન અંગેની તમામ અફવાઓ તથા ગેરમાર્ગે દોરતા અટકાવી વેક્સિન અંગે જાગૃત કરવા માટે જિલ્લાના છેવાડા સુધી જઈ લોકોને વેક્સિનના ફાયદાઓ વિશે સમજણ પૂરી પાડી રહ્યા છે અને હવે આ ઝુંબેશ સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. થોડાક દિવસ અગાઉ તાપી જ એક માત્ર જિલ્લો હતો જ્યાં કોરોના કેસો નહિંવત હતા.
જિલ્લામાં કોરોનાના નહિંવત કેસો માટે એક જ કારણ હતુ જે તંત્ર અને નાગરિકો વચ્ચે કો-ઓર્ડિનેશન. લોકોએ પણ કોરોનાકાળમાં સાવચેતી જાળવીને કોરોનાથી સુરક્ષિત રહ્યા છે. જો કે હવે કોરોનાને માત આપવા માટે વેક્સિન ઉપલબ્ધ છે અને લોકો તરફથી પણ વેક્સિન અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે અન્વયે આજે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.જે.નિનામા અને અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનિયાએ વાલોડ અને ડોલવણ તાલુકાના ગામોની મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલ રસીકરણ કામગીરીની જાત માહિતી મેળવીને ગ્રામ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત નિઝર તાલુકાના તાપી ખડકલા ગામે, ઉચ્છલ તાલુકાના નેવાળા ગામે તથા પાટીબંધારા ગ્રામ પંચાયતના મોરગન ગામે મનરેગા યોજના હેઠળ ચાલતા કામોના સ્થળે તથા અન્ય ગામોમાં ઘરે-ઘરે જઇ મામલતદાર તથા પી.એસ.આઇ, આંગણવાડી વર્કર, આશાવર્કર, તલાટીઓ સાથે જાગૃત નાગરિકોએ રસીકરણની આવશ્યકતા અને અનિવાર્યતા અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનિય છે કે તાપી જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપ આજે મોટી સંખ્યામાં નાગરિકો વેક્સિન લઈ પોતાને સુરક્ષિત બનાવવા આગળ આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500