તાપી જિલ્લામાં હાલ જેવી રીતે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્રએ જહેમત ભરી કામગીરી શરૂ કરી છે. સોનગઢ સિંઘાનિયા હાઈસ્કુલમાં ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે 24 કલાક ઓક્સિજન પુરવઠો કાર્યરત કરાયો છે. જે.કે.પેપર મિલના સહયોગથી 70 જેટલા ટેક્નિકલ કર્મચારીઓએ દિનરાત કામ કરી માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાના દર્દીઓ માટે 24 કલાક ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે એક કિ.મીથી વધુ પાઈપલાઈન નાખી સુવિધા પુરી પાડી હતી.
જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ જે.કે પેપર મિલની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લેતા જે.કે પેપર મિલના વાઈસ પ્રેસિડેન્ટ અને તેમની ટેક્નિકલ ટીમ દ્વારા કોરોના દર્દીઓ માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા ખુબ જ સરાહનિય છે. અહીં 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાંથી 30 બેડને 24 કલાક ઓક્સિજન પુરવઠો મળી રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નજીકના જિલ્લા ડાંગ અને માંડવીથી પણ કોવિડના દર્દીઓ આવે છે તેથી તેમને પણ આ સુવિધાનો લાભ મળી રહેશે. વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગને પણ કલેક્ટરએ અભિનંદન આપ્યા હતાં.
અત્રે ઉલ્લેનિય છે કે કોરોનાની જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે.કે.પેપરના મેનેજમેન્ટે ગત મહિને વ્યારાની જનક સ્મારક હોસ્પિટલને 2 વેન્ટિલેટર સ્વખર્ચે ઉપલબ્ધ કરાવ્યા અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે અગાઉથી 10 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ ખરીદીને રાખેલ હતા જે જટિલ દર્દીઓની સારવારમાં ખુબ જ મદદરૂપ થયા હતા. આ ઉપરાંત મેનેજમેન્ટ રસીકરણ અભિયાનમાં પણ સહયોગ આપી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500