નર્મદ યુનિવર્સિટી ખાતે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં એટીકેટીને લઇને પ્રશ્ન રજુ થયો હતો કે, વિદ્યાર્થી કોઇપણ સેમેસ્ટરમાં કોઇપણ વિષયમાં એટીકેટી આવેલ હોય તથા તેને ઉર્તીણ કરવાનું બાકી હોય તેવા સંજોગોમાં તેના અનુગામી સેમેસ્ટરમાં વિદ્યાર્થી તમામ પેપરમાં પાસ થયો હોય તો પણ રિઝલ્ટમાં એટીકેટી દર્શાવવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થીને જે વિષયમાં એટીકેટી આવી હોય તે પાસ કરે તો પણ ત્યારપછીના સેમેસ્ટરમાં એટીકેટીના બદલે પાસ જાહેર કરીને માર્કશીટ આપવામાં આવતી નથી.
જેથી આ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં તમામ જગ્યાએ નોકરી દરમિયાન વિવિધ પ્રકારની અગવડો ભોગવવી પડતી હોય છે. વિદ્યાર્થીઓની કારર્કિદી સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આથી આવા કિસ્સામાં એટીકેટી સોલ્વ કર્યા પછી જે તે સેમેસ્ટરની માર્કશીટમાં સુધારો કરી નવી માર્કશીટમાં પાસ દર્શાવવાની દરખાસ્ત રજુ થઇ હતી.
આ દરખાસ્ત બાદ સર્વાનુમતે એવુ નક્કી કરવામાં આવ્યુ હતુ કે, આગામી શૈક્ષણિક વર્ષ 2021–2022થી વર્ષ મુજબ પરિણામ જાહેર કરવાના બદલે સેમેસ્ટર વાઇઝ પરિણામ જાહેર કરવાનુ નક્કી કરાયુ હતુ અને દરેક સેમેસ્ટરમાં માત્ર પાસ કે નાપાસનું જ પરિણામ આપવાનું રહેશે. એટીકેટી શબ્દનો ઉપયોગ નહીં કરવા ઠરાવ્યુ હતુ. વધુમાં અગાઉના વર્ષોમાં જે વિદ્યાર્થીઓના પરિણામમાં એટીકેટી કે નાપાસની રિમાર્કસને કારણે જે વિદ્યાર્થીઓ પાસની રિમાર્કસવાળી માર્કશીટ મેળવવા માંગતા હોય તો તેઓ અરજી કરી રૂ.500 જમા કરાવ્યા પછી નવી માર્કશીટ બનાવી આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500