સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ એક એપાર્ટમેંટમાં મની ટ્રાન્સફરના કલેક્શનના પૈસા લેવા ગયેલ યુવકની કારનો કાચ તોડી અજાણ્યા ઈસમો 5 લાખ જેટલી રકમ ભરેલ બેગ લઈ ભાગી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા ખાતે આવેલ ગાયત્રી નગરમાં રહેતા વિપુલ રઘુભાઈ ભરવાડ કે જેઓ મની ટ્રાન્સફરના કલેક્શનની એજન્સી તેમજ દૂધનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ સવારના 9 થી 9:30 વાગ્યાના સમયે પોતાની ઇકો સ્પોર્ટ કાર લઈ પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ સિદ્ધિ એપાર્ટમેંટમાં મનીટ્રાન્સફરના કલેક્શનના પૈસા લેવા માટે ગયા હતા.
તે સમયે પાર્ક કરેલ કારમાં આગળની સીટ ઉપર રૂપિયા ભરેલ બેગ મૂક્યું હતું. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ કારનો કાચ તોડી તેમાં મુકેલ બેગ લઈ ભાગી છુટ્યા હતા. આ બેગમાં અંદાજિત 5 લાખ જેટલી રકમ હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે વિપુલ ભરવાડે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે સ્થળના સીસીટીવી તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, 10 દિવસ અગાઉ પણ એક કોન્ટ્રાકટરની કારનો કાચ તોડી પલસાણા ચાર રસ્તા વિસ્તારમાંથી બેગની ચોરી થઈ હતી. જેમાં રોકડ રકમ તો ન હતી. પરંતુ જમીનના જરૂરી કાગળો હતા આ કાગળો ચલથાણ ખાતે બંધ કરવામાં આવેલ સિંચાઇ વિભાગના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500