સુરત જીલ્લાના પલસાણાના તરાજ ગામની સીમમાં હાઇવે ઉપર આવેલ કટ નજીક એક લક્ઝરીયસ કાર ચાલકે બળદ ગાડાને અડફેટે લીધું હતું. જેમાં બંને બળદોને ઇજા પહોંચી હતી. જ્યારે બળદ ગાડુમાં બેસેલ એક આધેડને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
પલસાણા તાલુકાનાં તરાજ ગામે મોટા હળપતિવાસમાં જમાઈ અને દીકરી સાથે રહેતા ઉમેદભાઈ ભાણાભાઈ રાઠોડ (ઉ.વ.50) કે જે સવારના સમયે બળદગાડુ લઈ તરાજ હાઇવે ઉપર આવેલ કટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ એક બી.એમ.ડબલ્યુ કાર નંબર જીજે/05/જેએન/0352ના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પોતાની કાર બળદ ગાડાની પાછળ અથડાવી દીધી હતી. આ સર્જાયેલા અકસ્માતમાં બંને બળદોને ઇજા પહોંચી હતી.
જ્યારે બળદ ગાડુ હંકારનાર ઉમેદભાઈ રાઠોડ દૂર ફંગોળાઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હત.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500