સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામના પાટીયા નજીક કડોદરા-બારડોલી રોડ ઉપર એક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે ભાઈઓ ફસાય ગયા હતા. જેને દરવાજો તોડી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ભાગી છૂટ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં હલધરું ખાતે રહેતા પંકજભાઈ ખતીક તેમજ તેમનો ભાઈ નિલેશ ખતીક પોતાની ઈકો કાર નંબર જીજે/19/બીએ/0477 લઈ સુરત ખાતે પોતાના વેપાર અર્થે જઈ રહયા હતા. તે સમયે પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામના પાટીયા પાસે કડોદરા બારડોલી રોડ ઉપર સામેથી આવતા એક મોટર સાયકલ ચાલકને બચાવવા જતાં સામેથી પૂરઝડપે આવેલ ડમ્પર નંબર જીજે/12/એઝેડ/4551ના ચાલકે ઈકો કાર સાથે ડમ્પર ધડાકાભેર અથડાવી દીધું હતું.
આ સર્જાયેલ અકસ્માતમાં ઈકો કારમાં બેસેલ બે યુવકો કારમાં ફસાઈ ગયા હતા. તે સમયે ત્યાં હાજર લોકોએ ઈકો કારમાં ફસાયેલા બંને યુવકોને દરવાજો તોડી બહાર કાઢ્યા હતા અને 108ની મદદથી સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે આ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ગાડી મૂકી નાસી છૂટયો હતો. આ ઘટનાની જાણ કડોદરા જીઆઈડીસી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે આવી ટ્રાફીક જામ હળવું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500