સુરતની અગ્રણી સામાજિક સંસ્થા મોટા મંદિર યુવક મંડળની પ્રેરણાથી સમાજ માટે ખરા અર્થમાં ઉપયોગી થવાની ભાવના ધરાવતાં સુરતના દેસાઈ અને દલાલ પરિવારે તેમના ત્રણ યુવા સંતાનોના જન્મદિન અને મેરેજ એનિવર્સરીને એક પ્રેરણાત્મક પગલું ભરીને યાદગાર બનાવી હતી. બંને પરિવારે સંતાનો સાથે મળીને ચૌટાબજાર, કોટ વિસ્તારમાં આવેલી ૧૭૫ વર્ષ જૂની શેઠ પી.ટી.સુરત જનરલ હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ આપી હતી, અને અન્ય યુવાનોને, સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
તા.૨૫મી મે ના રોજ મોટા મંદિર યુવક મંડળના નેહલભાઈ દેસાઈની સુપુત્રી ધ્વનિનો જન્મદિવસ તેમજ સંજયભાઈ દલાલના સુપુત્ર ધર્માંગ અને પુત્રવધુ કૃતિની મેરેજ એનિવર્સરી હોવાથી બંને પરિવારોએ સેવાભાવના સાથે શુભપ્રસંગને યાદગાર બનાવવાનું આયોજન કર્યું.
સામાન્ય રીતે આ પ્રકારના શુભ પ્રસંગો કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે પાર્ટી કરીને ઊજવવામાં આવતા હોય છે, પરંતુ દેસાઈ અને દલાલ પરિવારે જન્મદિન અને મેરેજ એનિવર્સરીને લોકઉપયોગી સમાજ સેવાના કાર્યો સાથે સાંકળી લીધા અને તા.૨૫મી એ સંપૂર્ણ વાતાનુકુલિત એમ્બ્યુલન્સ હોસ્પિટલને અર્પણ કરી. જેમાં હાઇડ્રોલિક સ્ટ્રેચર, કાર્ડિયાક અને બાયપેપ મશીન ચલાવવા બેટરી બેકઅપવાળું ઇન્વર્ટર સિસ્ટમ, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ અને અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પ્રેરક પગલાંથી જરૂરિયાતમંદ દર્દીઓ અને હોસ્પિટલ માટે આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થશે. ઉપરાંત હાલની કોરોનાની પરિસ્થિતિમાં પણ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500