Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્રિભકોના એમોનિયા પ્લાન્ટમાં લાગી આગ, એક કલાકનાં જહેમત બાદ મળી સફળતા

  • January 21, 2021 

ઓલપાડ લોકલ ક્રાઇસીસ ગ્રુપ અને ક્રિષક ભારતી(ક્રિભકો) હજીરાના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન અંતર્ગત આગની ઘટના અને ફાયર કંટ્રોલની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં એમોનિયા પ્લાન્ટમાં લાગેલી આગને એક કલાકમાં કાબુમાં લેવામાં સફળતા મળી હતી. સવારે ૧૧:૦૦ વાગે હજીરા સ્થિત ક્રિભકો લિ.કંપનીના એમોનિયા પ્લાન્ટ -૧માં આવેલા કન્વર્ટરની પાઇપ લાઇનમાંથી વેલ્ડીંગ જોઇન્ટમાંથી સીન ગેસ લિકેજ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેથી બનાવની જાણ થતાં ક્રિભકોની ફાયર ટીમે તત્કાલ ઘટનાસ્થળે પહોંચીને ફાયર કંટ્રોલ કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવી ન હતી. જેથી નજીકની અદાણી, રિલાયન્સ, અને ઓ.એન.જી.સી. કંપનીના ફાયરબ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી.

 

 

 

સૌપ્રથમ ઓલપાડ લોકલ ક્રાઇસીસ ગ્રુપને જાણ થતાં ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલની આગેવાનીમાં આગને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવ્યા હતા. બેકાબૂ બનેલી આગ કાબુમાં ન આવતા શ્રી પટેલે આ ઘટનાની જાણ કલેક્ટર ઓફિસમાં કરી હતી. જેથી નિવાસી અધિક કલેકટરશ્રી એસ.ડી.વસાવાએ તાત્કાલિક ધોરણે ક્રિભકો ખાતે સુરત ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપનો કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો હતો. તેમણે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ, સુરતના જોઇન્ટ ડાયરેકટર તેમજ સંલગ્ન અધિકારીઓને બનાવના સ્થળે તત્કાલ મોકલી આપ્યાં હતાં. ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના સભ્યો, પોલીસ, ફાયર બ્રિગેડ, સુરત મહાનગરપાલિકા, સિવીલ હોસ્પિટલના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ૧૧:૫૦ વાગ્યે વધુ એમોનિયા ગેસ લિકેજ થતા આગ વધુ પ્રસરી હતી. જેના કારણે પોલીસ દ્વારા નેશનલ હાઇવે બંધ કરી ટ્રાફિક કંટ્રોલની કામગીરી શરૂ કરી હતી.

 

 

 

ક્રિભકો તથા મનપાની એમ્બ્યુલન્સ દ્વારા બનાવમાં ઇજા પામેલા ત્રણમાંથી બે શ્રમિકોને ક્રિભકોના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે એક શ્રમયોગીની હાલત ગંભીર હોવાથી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે સંપૂર્ણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

 

 

 

આ બનાવમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ, સુરતના જોઇન્ટ ડાયરેકટરની હાઇજીન ટીમ, પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ ઘટનાસ્થળનું મોનિટરીંગ કર્યું હતું. વાતાવરણમાં એમોનિયા ગેસનું પ્રમાણ ન જણાતા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આગ બૂઝાતા સ્થિતિ સંપુર્ણપણે કાબુમાં હોવાથી નિવાસી અધિક કલેકટરના નિર્દેશથી બપોરે ૧૨:૧૩ વાગે સાઇરન વગાડી મોક ડ્રિલ પૂર્ણ થયાંનું જાહેર કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application