બારડોલીના અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ કરાવવા આવેલા કેટલાક વ્યક્તિએ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરતાં હેલ્થ ઓફિસરે તાત્કાલિક ટેસ્ટિંગ કામગીરી બંધ કરી દીધી હતી. ટેસ્ટિંગ કામગીરી બંધ થતાં જ લોકોએ હોબાળો મચાવ્યો હતો. મામલતદાર અને પોલીસને જાણ કરતાં નાયબ મામલતદારે સ્થળ પર પહોંચી અર્બન હેલ્થ સેન્ટર પર પોલીસ અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત સાથે ફરીથી ટેસ્ટિંગ કામગીરી ફરી શરૂ કરાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તલાવડી મેદાનની સામે રંગઉપવનમાં આવેલ બારડોલી નગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી કરવામાં આવે છે. સ્ટાફ ઓછો હોવાથી કામગીરી ધીમી થાય છે.
બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. આથી આ સેન્ટર પર કોરોના ટેસ્ટ કરાવવા આવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ લાંબી લાઇન લાગતી હોય છે. પરંતુ, સ્ટાફના અભાવે કામગીરી ધીમી ચાલતી હોવાથી ટેસ્ટિંગ માટે આવતા લોકો સ્ટાફ સાથે વારંવાર બોલાચાલી થતી હોય છે. દરમ્યાન મંગળવારના રોજ ટેસ્ટિંગ કામગીરી કરતી નર્સિંગ સ્ટાફની સાથે એક વ્યક્તિએ બોલાચાલી કર્યા બાદ ગેરવર્તણૂક કરી હતી જેને કારણે હેલ્થ ઓફિસરે થોડી વાર માટે ટેસ્ટિંગ કામગીરી અટકાવી દેતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગે બારડોલી મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર સ્મૃતિબેન અને પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. બાદમાં અર્બન હેલ્થ સેન્ટરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી ફરીથી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500