સુરત શહેરના વરાછા એ.કે. રોડ સ્થિત શારદા વિહાર સોસાયટીમાં રહેતા કાળુભાઈ લક્ષ્મણ સાવલીયા તથા નરેશભાઈ મનજીભાઈ ઈટાલીયા સાથે ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત મનિષા ગરનાળા નજીક દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઇટ ધરાવે છે.
બંને ભાગીદાર રાત્રે 8 વાગ્યાના અરસામાં સાઇટની ઓફિસે હાજર હતા અને નરેશ ઇટાલીયા મોલની લાઇટીંગનું કામ ચાલુ હતું તે જોવા ઓફિસની બહાર ગયા હતા. કામ પુરૂ થઇ ગયું હોવાથી નરેશે કાળુભાઇને કામ જોવા માટે ફોન કરી ઓફિસની બહાર બોલાવ્યા હતા.
ત્યારબાદ બંને ભાગીદારો લાઇટીંગનું કામ જોયા બાદ નરેશભાઇ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઇ પોતાની બાઇક લઇ ઘરે જવા નીકળી રહ્યા હતા. તે સમય દરમિયાન મનીષા ગરનાળા તરફથી એક બાઈક ઉપર બે અજાણ્યા યુવકો ઘસી આવ્યા હતા.
જે પૈકી બાઇક પર પાછળ બેસેલ યુવક કાળુભાઇ પાસે ઘસી આવી ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી તરત બાઇક પર બેસી ઉત્રાણ વીઆઇપી સર્કલ તરફ ભાગી ગયા હતા.
નરેશભાઇને આ બનાવ અંગે જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
આ બનાવ અંગે કાળુ સાવલીયાએ હુમલો કરનાર બે અજાણ્યા યુવકો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500