સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા વધારે હોવાથી શહેરના સ્મશાનગૃહોમાં રાત-દિવસ મૃતદેહોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. આ લાંબી લાઈનો ઘટાડવા માટે સુરત શહેરમાંથી અગ્નિદાહ આપવા મૃતદેહોને બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે.
બારડોલીમાં છેલ્લા બે દિવસમાં કુલ 18 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે 5 પૈકી 3 ગેસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી. જેમાં રાત-દિવસ સતત મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. તેથી 2 અને 3 નંબરની ભઠ્ઠી સતત ચાલુ રહેવાથી અંદરની લોખંડની ટ્રે તૂટી ગઈ હતી.
જેને કારણે હાલ આ બંને ભઠ્ઠીઓ બંધ કરી દેવામાં આવી છે. હવે કોરોના વાળા મૃતદેહો માટે માત્ર 1 જ ભઠ્ઠી કાર્યરત છે. ગેસ આધારિત ભઠ્ઠીને એક મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અડધોથી એક કલાક સુધી ઠંડુ પાડવાની હોય છે. પરંતુ મૃતદેહોના સતત ધસારાને કારણે ભઠ્ઠી ઠંડી પાડવાનો સમય મળ્યો ન હતો જેને કારણે લોખંડ પીગળી જવાથી ટ્રે તૂટી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500