વ્યારાનાં નવી વસાહત વિસ્તારમાં જુલાઇ ૨૦૨૨માં બાંકડા પર બેસવા જેની નજીવી બાબતે એક યુવકની લાકડાના સપાટા મારી હત્યા કરાઈ હતી. આ ઘટનામાં માર મારનાર પરિવારનાં એક મહિલા સહિત ચાર સભ્યોને વ્યારાની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવી વસાહત વિસ્તારમાં રહેતા સંજુ કુશવાહનાં ઘર સામે આવેલા બાકડા પર બેસવાની નજીવી બાબતે નજીકમાં જ રહેતા આશિષ સંતોશભાઈ પરદેશી સાથે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સંજુ રામરતન કુશવાહ, સંતોષ રામરતન કુશવાહ, રામરતન રામેશ્વર કુશવાહ અને સરોજબેન રામરતન કુશવાહે સાથે મળી આશિષ પર લાકડા વડે હુમલો કર્યો હતો. જ્યાં ઝગડામાં આશિષને છોડાવવા ગયેલા ભાવેશ પ્રજાપતિ તેમજ હિતેશ ઉર્ફે લાલુ રમેશભાઈ પંચાલને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા. આ કેસ વ્યારાની સેશન્સ કોર્ટમાં જજ પી.જી.વ્યાસ સમક્ષ ચાલતા સરકારી વકીલ રમેશ ચૌહાણ દ્વારા કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જજે સંજુ રામરતન કુશવાહ, સંતોષ રામરતન કુશવાહ, રામરતન રામેશ્વર કુશવાહ અને સરોજબેન રામરતન કુશવાહને કસુરવાર ઠેરવી તમામને આજીવન કેદની સજા સાથ દરેકને રૂપિયા ૫,૫૦૦નો દંડ પણ ફટકાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500