રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. તાજેતરની મળતી માહિતી અનુસાર, આ એક સોની પરિવાર હતો અને બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં આ લોકોની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. હાલ પરિવારના આઠ સભ્યો હોસ્પિટલમાં દાખલ છે. એક વ્યક્તિને ઝેરની ઓછી અસર થવાના કારણે રજા આપી દેવામાં આવી છે.
સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સોની પરિવારને વેપારમાં નુકસાન થયું હતું. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. તેઓ આ કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર કુલ નવ લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી પરંતુ તેમાંથી એક બચી જવાને કારણે તેણે અન્યોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટના વિશે જાણકારી આપતાં પરિવારના એક સભ્ય કેતન ઓડેસરાએ કહ્યું કે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં અમારા સોની પરિવારના સભ્યોને બેન્ક લોન દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા આ લોકોએ જીવન ટૂંકાવી દેવા માટે આ પગલું ભર્યું હતું. ઝેરી દવા પી જવાને કારણે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. માહિતી અનુસાર સોની પરિવાર સાથે પોણા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500