સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો. ટેમ્પામાં સોફા અને ફર્નિચરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 4.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોંટેડ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જીલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો નંબર જીજે/15/વી/2765 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી ત્યારે ટેમ્પો ચાલક પૂરઝડપે ટેમ્પો હંકારી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતાં ચાલક સહયોગ હોટલ નજીક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં ટેમ્પામાં સોફાસેટ અને ફર્નિચર જોવા મળ્યા હતા. એલસીબી પોલીસે જેની તપાસ કરતાં સોફામાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1499 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,73,575/- તથા ટેમ્પો મળી કુલ રૂપિયા 4,03,575/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500