Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના આદિજાતિ મંત્રી વલસાડના હરિયામાં રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબુદી અભિયાન-૨૦૪૭નો શુભાંરભ કરાવ્યો

  • July 03, 2023 

રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વલસાડ તાલુકાના હરિયા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના ૩૬૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ૫૨૦૦ સિકલસેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં સિકલસેલ એનિમિયાનો સૌ પ્રથમ કેસ વલસાડ તાલુકાના વાંકલ ગામમાં રક્તદાન કેન્દ્રના ડો.યઝદી ઈટાલિયાના ધ્યાન પર આવ્યો હતો ત્યારબાદ આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૬થી જ સિકલસેલ નાબૂદી માટે પ્રયાસ આદર્યા હતા. હવે અત્યારનો સમય ચિંતા કરવાનો નથી પણ ચેતવાનો છે અને તેનાથી મુક્તિ મેળવવાનો છે.



આપણા દેશની આઝાદીનું શતાબ્દી વર્ષ –૨૦૪૭ સુધીમાં સિકલસેલની નાબૂદી માટે સંકલ્પ લેવાનો છે અને તેને સિધ્ધિ સુધી લઈ જવાનું છે. આશા વર્કર અને સ્ટાફ નર્સે લોકોના ઘરે ઘરે જઈને આ રોગને નાથવા માટે તમામ પ્રયાસ હાથ ધરવા જરૂરી છે. સાથે જનભાગીદારી પણ એટલી જ જરૂરી છે. સરકાર દ્વારા આ રોગની મફત તપાસ અને સારવાર પણ ઉપલબ્ધ છે. સિકલસેલ એનિમિયાગ્રસ્ત બાળકનો જન્મ ન થાય તે માટે કાઉન્સેલિંગ કરવાની સામૂહિક જવાબદારી આપણા સૌની છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ થકી આજે દેશના ૧૭ રાજ્યો અને ૨૭૮ જિલ્લામાં ૫૦ હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ૭.૫૦ લાખ સિકલસેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરાશે.



મંત્રીએ વધુમાં ડોકટર ડે ની શુભેચ્છા પાઠવી સિકલસેલને જડમૂળથી નાબૂદ કરવાનું કામ ડોકટરો અને આરોગ્ય કર્મીઓએ કરવાનું છે એવી હાકલ કરી હતી સાથે જ કોરોનાકાળમાં ધરતી પરના દેવતૂલ્ય ડોકટરોએ જે રીતે લોકોના જીવ બચાવ્યા તેમ હવે સિકલસેલને પણ નાબૂદ કરવુ જરૂરી બન્યું છે. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ સભ્ય ડો. કે.સી.પટેલે સિકલસેલ અને લેપ્ટોસ્પાઈરોસીસ રોગને કાબૂમાં રાખવા માટેની કાળજીઓ વિશે સમજ આપી હતી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સિકલસેલ રોગની ગંભીરતા વિશે સમજ આપી કોવિડ-૧૯માં કરેલી કામગીરી બદલ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સિકલસેલના દર્દીને સરકાર દ્વારા રૂ.૫૦૦ની માસિક સહાય ચૂકવવામાં આવે તે માટે બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application