ઉત્તર અને પશ્ચિમ ભારત વિક્રમી ગરમીથી ત્રસ્ત છે ત્યારે રાહતના સમાચાર આવી રહ્યા છે. ભારતના હવામાન ખાતાએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે, નૈઋત્યના ચોમાસાનું દેશમાં આગમન થઇ ગયું છે અને તે આંદામાન–નિકોબારમાં પ્રવેશી ગયું છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ખેતી અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે પીવાના પાણીની વ્યવસ્થા થાય, જમીનના પાણીના તળ સુધરે એ માટે ચાર મહિનાનો વરસાદ અત્યંત મહત્વનો છે.
દક્ષીણ–પશ્ચિમના પવનોના કારણે આંદામાન અને નિકોબાર ખાતે વરસાદ જોવા મળી રહ્યો છે એમ હ્વામના વિભાગે જણાવ્યું હતું. જે રીતે પવન ફૂંકાયા છે એ જણાવે છે કે, વરસાદ ધીમે ધીમે બંગાળની ખાડી અને સમગ્ર આંદામાન વિસ્તારમાં આગળ વધી શકે છે. આ સ્થિતિનો લાભ ખાડીના પૂર્વ કિનારાના વિસ્તારોમાં પણ આગામી બે કે ત્રણ દિવસમાં મળશે એમ હવામાન ખાતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત, લક્ષદ્વીપ પાસે વાવાઝોડા જેવા પવનના કારણે કેરળ, કર્ણાટકના કાંઠાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ, વીજળી અને ભારે હવા જોવા મળી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500