સુરતનાં વરાછા અશ્વનીકુમાર રોડ મોદી મહોલ્લોમાં આવેલી જવેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ પહેલા બાજુની ઈલેક્ટ્રોનીકસની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડયું હતું અને બાદમાં બંને દુકાનની કોમન દિવાલમાં બાકોરું પાડી જવેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના રાજસમદના વતની અને સુરતમાં ઉત્રાણ વીઆઈપી રોડ મનીષા ગરનાળાની બાજુમાં એમ્બેવેલી હાઈટસ E/1103માં રહેતા 38 વર્ષીય યોગેશભાઈ કૈલાશચંદ્ર મહેતા વરાછા અશ્વનીકુમાર રોડ મોદી મહોલ્લો સોનીપંચની વાડી દુકાન નં.9માં દિપીકા જવેલર્સના નામે પિતા સાથે સોના-ચાંદીનાં દાગીનાની દુકાન ધરાવે છે.
તેમની બાજુની દુકાન નં.7 અને 8માં મારુતિ ઇલેકટ્રોનીકસ નામની દુકાન આવેલી છે. જયારે તેમની દુકાનની પાછળ ખુલ્લી જગ્યા છે. ગત તારીખ 18’મી ના રોજ યોગેશભાઈના પિતા સામાજીક કામ માટે બેંગ્લોર ગયા હતા. આથી એકલા દુકાને બેસતા યોગેશભાઈ ગત શનિવારે રાત્રે દુકાન બંધ કરી ગત સવારે 9.15 વાગ્યે દુકાને પહોંચ્યા અને લોક ખોલી અંદર પ્રવેશ્યા તો બધું વેરવિખેર હતું. દુકાનમાં મુકેલી ઘરેણાંની તિજોરી તો સલામત હતી પણ તેના ઉપરના ભાગે દિવાલ તૂટેલી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તસ્કરોએ પહેલા બાજુની ઈલેક્ટ્રોનીકસની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડયું હતું અને બાદમાં બંને દુકાનની કોમન દિવાલમાં બાકોરું પાડી તેમની દુકાનમાં પ્રવેશ્યા હતા.
તસ્કરો દુકાનના ગલ્લામાં મુકેલા ગ્રાહકોના રીપેરીંગમાં આવેલા રૂપિયા 45 હજારના સોનાના દાગીના, રોકડા રૂપિયા 4 હજાર અને ચાંદીના દાગીના, ચાંદીની ભગવાનની મુર્તીઓ અને ચાંદીના વાસણની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે યોગેશભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વ્યક્તિ બાજુની ઈલેક્ટ્રોનીક્સની દુકાનમાં પ્રવેશ્યો હતો અને સૌથી પહેલા ત્યાંનો CCTV કેમેરો તોડયો હતો. સદનસીબે જવેલરે લાખોની મત્તાના બે કિલો જેટલા તૈયાર દાગીના તિજોરીમાં રાખ્યા હતા તે બચી ગયો હતા ચોરી અંગે વરાછા પી.આઈ.એ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500