દેશભરના ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીની સ્થિતિ યથાવત છે. ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ભીષણ ગરમીના પ્રકોપના કારણે ઘણી રાજ્ય સરકારો પણ વિવિધ પગલાઓ ઉઠાવી રહી છે. આ ઉપરાંત સાત રાજ્યોમાં સ્થિતિ એવી વણસી છે કે, રાજ્ય સરકારોએ અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાને રાખી તુરંત સ્કૂલો બંધ કરવાનો અને સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપી દીધો છે. પટણા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ પટણાની પ્રી-સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો અને સ્કૂલોમાં 10.30 કલાકથી સાંજે 4 કલાક સુધી સ્કૂલો બંધ રાખવા આદેશ અપાયો છે.
આ આદેશ 1 મે’થી 8 મે સુધી લાગુ રહેશે. જ્યારે છત્તીસગઢમાં 22 એપ્રિલથી 15 જૂન સુધી ઉનાળાની રજાઓઓ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઝારખંડ રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગ અને સાક્ષરતા વિભાગે ધોરણ-8 સુધીના તમામ સ્કુલો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે સવારે 7.00થી 11.30 કલાક સુધી શૈક્ષણિક આયોજન કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત રમત-ગમત અને બહારની પ્રવૃત્તિઓ પણ હાલપુરતી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
મહારાષ્ટ્ર સરકારે તમામ શાળાઓ માટે પ્રારંભિક ઉનાળાના વેકેશનની જાહેરાત અગાઉથી જ કરી છે. કાળઝાળ ગરમી દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને તારીખ 22 એપ્રિલથી 15 જૂન સુધી રજાઓ રાખવા જાહેરાત કરાઈ છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં પહેલી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થાય છે. જ્યારે મેઘાલયમાં પશ્ચિમ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનરે નર્સરી અને પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના વર્ગો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટેનો સમય મે સુધી સવારે 6.30થી સવારે 10.30 સુધી રખાયો છે. ત્રિ-પુરા ઘણા દિવસથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે શિક્ષણ વિભાગે 24 એપ્રિલથી પહેલી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી બ્રત્સ બસુએ દાર્જિલિંગ અને કલિમ્પોંગ સિવાયના તમામ જિલ્લાઓની સરકારી શાળાઓમાં 22 એપ્રિલથી રજાઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોએ ખાનગી સ્કૂલોને પણ કહ્યું છે કે, તેઓ સ્થિતિ મુજબ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500