મહારાષ્ટ્રના નાગપુરમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા 58 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. માહિતીના આધારે, પોલીસે શંકાસ્પદ બુકીના ઘરે દરોડો પાડ્યો અને 4 કિલો સોનાના બિસ્કિટ અને 14 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
જોકે દરોડા પહેલા જ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આટલી રોકડ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રોકડ ગણવા માટે પોલીસે સ્થળ પર કેશ કાઉન્ટીંગ મશીન મંગાવ્યું હતું. મામલાની ગંભીરતાને જોતા પોલીસે સાયબર અને ક્રાઈમ વિભાગની એક સ્પેશિયલ ટીમ બનાવી છે.નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા 58 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીએ એક એપ દ્વારા છેતરપિંડી કરી હતી. જ્યારે ફરિયાદીને આ વાતની જાણ થઈ તો તેણે તેના પૈસા પાછા માંગ્યા. જો કે આરોપીઓએ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદ મળ્યા બાદ પ્રાથમિક તપાસમાં તથ્યો સાચા જણાતા પોલીસે ગોંદિયામાં ઠગના ઘરે દરોડો પાડ્યો અને તેના ઘરમાંથી 14 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. જે બાદ પોલીસે નોટ ગણવા માટે મશીન મંગાવ્યું અને આ રકમની ગણતરી કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીના ઘરેથી લગભગ 14 કરોડ રૂપિયા રોકડા, ચાર કિલો સોનાના બિસ્કિટ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે.
નાગપુર પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે આરોપી તેના સાથીદારો સાથે મળીને ફરિયાદીને 24 કલાક ઓનલાઈન ગેમિંગ પર સટ્ટો લગાવીને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. તેમણે જણાવ્યું કે હાલ આરોપી બુકી ફરાર છે. નાગપુર સાયબર પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલાની વિસ્તૃત તપાસ માટે સાયબર અને ક્રાઈમ વિભાગની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500