Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં રસ્તાઓ બંધ, જયારે પંજાબ-હરિયાણામાં હળવો વરસાદ

  • January 14, 2023 

દેશનાં મોટા-ભાગનાં રાજ્યોમાં હાડ ગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો શૂન્ય થાય એવી ચેતવણી આપવામાં આવી હતી. તાપમાન ગગડીને સાતથી 8 ડિગ્રી થયું હતું. ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહી હતી. પંજાબ-હરિયાણામાં હળવો વરસાદ થયો હતો. જમ્મુ-કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જમ્મુ-કાશ્મીરમાં હળવાથી ભારે બરફવર્ષા થઈ હતી.



કેટલાક વિસ્તારોમાં બે ફૂટ કરતાં વધુ બરફના થર જામી ગયા હતા. રાજ્યનાં કેટલાય રસ્તા બંધ રહ્યા હતા. જમ્મુ-શ્રીનગર હાઈવે અને શ્રીનગર-લેહ હાઈવેના રસ્તે ભારે બરફવર્ષાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અતિશય ઠંડો પવન અને બરફવર્ષાની સ્થિતિ વચ્ચે બધી જ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. તાપમાનનો પારો ગગડયો હતો. ગુલમર્ગ માઈનસ 5.5 ડિગ્રીએ થીજી ગયું હતું. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 2.3 ડિગ્રી રહ્યું હતું.



દક્ષિણ કાશ્મીરનાં કોકણનાગમાં માઈનસ 0.2 સુધી તાપમાન ગગડી ગયું હતું. રાજ્યના 10 જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા થઈ હતી. શિમલા સહિતના પ્રવાસન સ્થળોએ હળવી બરફવર્ષા થતાં પ્રવાસીઓએ તેનો આનંદ ઉઠાવ્યો હતો. જોકે, રાજ્યભરમાં બરફવર્ષાના કારણે નાના-મોટા 200 રસ્તા બ્લોક થઈ ગયા હતા. પરિણામે પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના કેલોંગમાં માઈનસ 6.3, કૂફ્રીમાં તાપમાનનો પારો માઈનસ 1.2 ડિગ્રીએ જઈ પહોંચ્યો હતો.




ડેલ્હાઉસીમાં માઈનસ 0.2 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો માઈનસ શૂન્ય થાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હળવા વરસાદ પછી દિલ્હીમાં ઠંડો પવન ફૂંકાયો હતો. પંજાબ-હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થતાં ઠંડી વધી હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં ઘણી ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઉત્તર ભારતમાં હજુય પાંચ દિવસ સુધી આકરી ઠંડીની આગાહી કરી છે. રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ અકસ્માત થયો હતો. ધુમ્મસમાં ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા. ચારને ઈજા પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application