કોરોનાકાળમાં ધંધા-રોજગાર બંધ રહેલા હોવાથી લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી. જેમાં ઉદ્યોગકારો અને ખેડૂતો તેમજ નાના કોન્ટ્રાક્ટરો બાકી લેણાંના ભારણમાં આવી ગયા હતા. જેથી તેઓને રાહત મળે અને ફરી ધંધા તેજ રફતાર પકડે તે માટે સરકારે બાકી લેણાંમાં રાહતની યોજના જાહેર કરી છે.રાજ્યમાં નાના ખેડુતો, સામાન્ય નાગરિકો, રાજ્ય સરકારના કામ કરતા ઠેકેદારો અને ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો વગેરે સામે કાયદા અને નિયમોની ઓછી જાણકારી, હિસાબોની ભૂલ અને અન્ય કારણોસર ગૌણ અને મુખ્ય ખનિજોના બિનઅધિકૃત ખનન/ વહન/ સંગ્રહના કેસોમાં ખાણ ખનિજ કચેરેના બાકી લેણાં હોય છે તેમજ લીઝધારકો સમયસર રોયલ્ટી, ડેડરેન્ટ, જમીનભાડુ વગેરે લાગુ પડતા નાણાં સમયસર ભરપાઇ કરતા ન હોય તેવા કેસોમાં વ્યાજ લાગુ પડે છે.
રાજ્યના ઉદ્યોગ ધંધાઓને COVID-19ની વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ પુરતો વેગ મળે અને અનિવાર્ય સંજોગોને કારણે જે અરજદારો બાકી લેણાંનાં ભારણમાં આવી ગયા હોય તેવા લોકોને રાહત મળી રહે તેવા શુભાશયથી ગુજરાત સરકાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૨ ના ઠરાવથી ગૌણ ખનિજ સંબંધમાં રાહત યોજના જાહેર કરવામાં આવી છે. રાહત યોજનાનો ઠરાવ ઉદ્યોગ અને ખાણ વિભાગ અને ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની વેબસાઇટ પરથી મેળવી શકાશે.
વલસાડ જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પી.આર.ખાંભલાએ જણાવ્યું કે, ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે અરજદારોને, ઇસમોને આ યોજના લાગુ પડતી હોય અને તેનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા ધારકોએ લેખિત અરજી સાથે મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, વલસાડ ખાતે સંપર્ક કરવો. આ યોજનાનો લાભ આગામી તા. 9 ડિસેમ્બર 2022 સુધી મળશે તે પહેલા અરજી કરવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500