ગાંધીનગરનાં સરઢવ ગામમાં ચીકુડીની વાડીમાં કોઇન આધારિત ચાલતા જુગાર ધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બે શખ્સો ઝડપાઈ ગયા હતા જ્યારે પાંચ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને ફરાર જુગારીઓને પકડવા દોડધામ શરૂ કરી હતી. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે સરઢવ ગામથી જતા રોડ ઉપર મારી વટો વિસ્તારમાં આવેલી ચીકુડીની વાડીમાં કોઈન આધારિત જુગારધામ ચાલી રહ્યું છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ ભાગવા લાગ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા પીછો કરીને બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ સરઢવ ગામના ભીખાજી નાથાજી ઠાકોર અને વિષ્ણુ પ્રહલાદભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ જુગારધામ કોણ ચલાવી રહ્યું છે.
જેથી તેમણે કબૂલ્યું હતું કે, સરઢવ ગામના અરવિંદ પટણી અને રમેશ બબલદાસ પટેલ આ જુગારધામ ચલાવી રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો ભાગી ગયા છે. અહીં કોઈન આધારિત જુગાર રમાડવામાં આવતો હતો. જેથી જે શખ્સો જુગાર રમવા આવે તેમના રૃપિયા અલગ લઈ લેવામાં આવતા હતા અને તેની સામે તેમને કોઈન આપવામાં આવતા હતા. હાલ પોલીસ દ્વારા ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને ફરાર આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500