ઉચ્છલ તાલુકાના આમોદા ગામમાં રહેતા હરીશ રવીન્દ્રભાઈ વળવીને ગામમાં જ રહેતો જયદાસ વસાવાએ મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના આમોદા ગામમાં રહેતા, રવીન્દ્રભાઈ નરસિંહભાઈ વળવી ખેતી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. રવીન્દ્રભાઈ તેમની પત્ની સાથે સવારે ખેતરે ગયા હતા અને એમનો પુત્ર હરીશ (ઉ.વ.22) ઘરે હતો. હરીશ બપોરના સમયે ગામમાં આવેલા સુદામભાઈ વળવીના ઘર પાસે બેઠેલ મિત્રોને મળવા માટે ગયો હતો. તે સમયે ગામમાં જ રહેતો જયદાસ જગદીશભાઈ વસાવા ત્યાં આવ્યો હતો અને હરીશને કહ્યું હતું કે, તુ મારી ફોઈની છોકરી સાથે કેમ ફરે છે અને હવેથી તારે એની સાથે કોઈ સંબંધ રાખવાનો નથી એમ કહી ગાળો આપી ઉશ્કેરાઈ ગયો હતો અને હરીશને મારમારવોનો શરુ કર્યો હતો. આ ઝઘડો આગળ વધતા જયદાસ વસાવાએ નજીક પડેલ કાચનો ગ્લાસ ઊંચકી હરીશના માથામાં મારી દેતા તે લોહીલુહાણ થતા થઈ ગયા હતા અને હરીશને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો.
ત્યારબાદ સાંજે ખેતરેથી પાછા ફરેલા રવીન્દ્રભાઈને બનાવ અંગે જાણ થતા પુત્ર હરીશને સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે જયદાસ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500