સુરતના રાંદેર વિસ્તારમાંથી માથાભારે ઇસમો દ્વારા સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓની કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે.
મળતી માહિતી મુજબ, આનંદમહેલ રોડ પર આવેલી માલવિયા હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા 77 વર્ષીય ભાઇલાલભાઇ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કાર લઇને આવેલા બે ઇસમોએ હોસ્પિટલના પાર્કિંગમાં ઉભા રહીને પેશાબ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ભાઇલાલભાઇએ તેમને ત્યાં પેશાબ કરવાની ના પાડી અટકાવ્યા હતા. જેથી એક ઇસમ ઉશ્કેરાય જઇને સિક્યોરિટી ગાર્ડને બેરહમીપૂર્વક માર માર્યો હતો. તેણે વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડનો પગ પગડીને રસ્તા પર ઢસડી લાતો અને મુક્કા માર્યા હતા.
જયારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ દ્વશ્યો જોઇને બે મહિલાઓ તથા હાજર લોકોએ વચ્ચે પડી સિક્યોરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડને માથાના ભાગમાં ઇજા પહોંચતાં તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500