Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં હિરાનાં કારખાનામાંથી 55 લાખથી વધુનાં હિરા અને 8 લાખની ચોરી થઈ, પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

  • November 03, 2023 

રાજકોટની મવડી ચોકડીથી બાપા સિતારામ ચોક વચ્ચે આવેલા સ્વાગત આર્કેડનાં બીજા માળે સ્થિત સી.વી.ઈમ્પેકસ નામના હિરાના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો રૂપિયા 55.80 લાખની કિંમતના હિરા અને રૂપિયા 8 લાખની રોકડ મળી કુલ રૂપિયા 63.82 લાખની ચોરી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે CCTV કેમેરાના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસને બે પૈકીના એક તસ્કરની ઓળખ મળી જતાં તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે મુકેશભાઈ ગોપાલભાઈ દુધાત્રા (ઉ.વ.39) માધાપર ચોકડી પાસે ધ સ્પેસ હાઈટસ બિલ્ડીંગની ડી-વીંગમાં રહે છે.



છેલ્લા ત્રણ વર્ષથી સી.વી. ઈમ્પેકસ નામનું હિરાનું કારખાનું ધરાવે છે. હાલ દિવાળીની સીઝન હોવાથી તેનું કારખાનું વહેલી સવારે 5 વાગ્યાથી લઈ મોડી સાંજે આઠેક વાગ્યા સુધી ચાલુ રહે છે. કારખાનામાં કુલ 40 કારીગરો કામ કરે છે. કારખાનાની દેખરેખ પિયુષ ભરતભાઈ નડીયાપરા રાખે છે. જોકે બુધવાર હોવાથી કારીગરો સાંજે 6 વાગ્યે જતા રહ્યા હતા. મોડી સાંજે આઠેક વાગે કારખાનું બંધ કરવામાં આવ્યું હતું. કારખાનામાં જે ઓફિસ છે તેની અને શટરની ચાવી કારખાના માલીક મુકેશભાઈ અને તેના માણસ પિયુષભાઈ પાસે રહે છે.



જયારે સવારે 8.30 વાગ્યે પિયુષભાઈ કારખાને આવ્યા હતા. તે વખતે તેણે શટર થોડુક ખુલ્લુ જોયું હતું. જેથી શટર ખોલી તત્ત્કાળ કારખાનામાં જઈને જોતાં ઓફીસના દરવાજાનો લોક તુટેલો હતો. તત્કાળ તેણે શેઠ મુકેશભાઈને કોલ કરી કહ્યું કે તિજોરી તૂટેલી છે, તમે જલ્દી આવી જાઓ. જેથી મુકેશભાઈ તત્કાળ કારખાને પહોંચ્યા હતા. ઓફીસની તિજોરી જોતાં તેનું હેન્ડલ તૂટેલું હતું. અંદરથી રૂપિયા 8  લાખ રોકડા અને 123.57 કેરેટના 12294 નંગ હિરા ગાયબ જોઈ હતપ્રભ થઈ ગયા હતા. જેથી તત્કાળ પોલીસને જાણ કરી હતી. માતબર મત્તાની ચોરી થયાની જાણ થતાં તાલુકા પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અને LCBનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો.



આ ઉપરાંત ડીસીપી અને એસીપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. કારખાના માલીક મુકેશભાઈએ પોલીસને જણાવ્યું કે જે 8 લાખ રૂપિયા તિજોરીમાં રાખવામાં આવ્યા હતા તે કારીગરોને આપવા માટે હતા. જે હિરાની ચોરી થઈ છે તે ગઈ તા.26ના રોજ સુરતથી આવ્યા હતા. તેના કારખાનામાં કાચા હિરાને તૈયાર કરી મોકલવામાં આવે છે. જેથી આ કાચા હિરા સુરતથી આવ્યા હતા. તત્કાળ પોલીસની જુદી-જુદી ટીમોએ CCTV કેમેરા જોવાનું શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે લાલ કલરના બાઈક ઉપર આવેલા બે તસ્કરોએ ચોરી કરી છે.



આ બંને તસ્કરો રાત્રે 1.38 વાગ્યે કારખાને આવ્યા બાદ આરામથી ચોરી કરી પરોઢીયે 4.07 વાગ્યે રવાના થયા હતા. એક તસ્કર બહાર વોચ રાખીને ઉભો હતો જયારે બીજો તસ્કર ચોરી કરવા ઘુસ્યો હતો. તેણે ફાયર પ્રુફ અને ખુબજ મજબુત ગણાતી તિજોરીને ડ્રીલ કટરની મદદથી તોડી ચોરી કર્યાની સંભાવના દર્શાવાય છે. આજ કારણથી ચોરી કરવામાં અંદાજે અઢી કલાક જેવો સમય લાગ્યો હતો લાલ કલરના બાઈક નંબરના આધારે પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ કરતાં એક તસ્કરની ઓળખ મળી ગયાનું જાણવા મળ્યું છે. જેના આધારે તેને ઝડપી લેવા પોલીસની જુદી-જુદી ટીમોએ દોડધામ શરૂ કરી છે. આરોપીઓનું કનેકશન હિરા ઉદ્યોગ અને સુરત સાથે નીકળે તેવી સંભાવના પણ પોલીસે નકારી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application