તાપી જિલ્લામાં વ્યારા પ્રાંતના કાર્યક્ષેત્રમાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં ૧૧ હનુમાનજી મંદિર, ૪ અન્ય મંદિર ઉપરાંત ૨ ચર્ચ અને ૨ મસ્જિદ મળી ૧૯ ધાર્મિક દબાણોને નોટિસ અપાઈ છે. કેટલાક ધાર્મિક દબાણો દૂર કરવા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી અને હવે ફરી નોટિસ મળતા હલચલ મચી જવા પામી હતી. સુપ્રીમ કોર્ટમાં ધાર્મિક દબાણો બાબતે વર્ષ ૨૦૦૬ દરમિયાન સ્પેશીયલ લિવ પીટીશન થઈ હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૦૯ દરમિયાન થયેલા હુકમોથી કોઈ પણ સરકારી, ગૌચર, સ્થાનિક સ્તા મંડળ-સંસ્થાની જાહેર જગ્યા કે રસ્તા ઉપરના ધાર્મિક પ્રકારના મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વિગેરે પ્રકારના ધર્મ સ્થાનોનાં અનઅધિકૃત રીતે થયેલ દબાણોનો સર્વે કરી તબક્કાવાર દબાણો દૂર કરવા સૂચના જે તે સત્તા મંડળોને આપવામાં આવી હતી. જેથી રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા જારી કરેલા પત્રને આધારે વર્ષ ૨૦૨૪ની સ્થિતિએ ઓળખ કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પૈકી જે દબાણો નિયમિત કરી શકાય અથવા સ્થળાંતર કરી શકાય તેમ હોય તો તે કાર્યવાહીને અગ્રતાના ધોરણે હાથ ધરવા તથા તે ઉપરાંતના ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કક્ષાની કમિટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જેથી વ્યારા પ્રાંત અધોકારીએ તારીખ ૨૪ ફેબ્રુઆરી નારોજ પ્રાંત કચેરીમાં બેઠક રાખી હતી. જેમાં મામલતદાર, ચીફ ઓફિસર, સ્ટેટ આર એન્ડ બી, સીટી સર્વે અધિકારી સહીત નેશનલ હાઇવેનાં અધિકારીઓને અનઅધિકૃત રીતે થયેલ ધાર્મિક દબાણવાળા સ્થળોની યાદી તથા અગાઉની નોટિસ બાદ થયેલ કામગીરીની વિગત સાથે બોલાવ્યા હતા. જેમાં દબાણ નિયમબધ્ધ કરવા વ્યારામાં ૨ હનુમાનજી મંદિર તથા ૨ મસ્જિદ દ્વારા જ અરજી કરવામાં આવી હતી. જેથી આ કામગીરીને અગ્રતાક્રમે લઈ ફરીથી વ્યારા અને સોનગઢ પંથકમાં ૧૧ હનુમાનજી મંદિર, ૪ અન્ય મંદિર, ૨ ચર્ચ અને ૨ મસ્જિદ મળી કુલ ૧૯ ધાર્મિક દબાણોને દૂર કરવા નોટિસ આપવામાં આવતા ચકચાર મચી હતી. જેમાં વ્યારા તાલુકાના ૧૬ અને સોનગઢ તાલુકાના ૩ દબાણો છે. બીજી તરફ વ્યારા ખાતે મંદિરના સંચાલકો સહીત આગેવાનો દ્વારા મીટીંગનો દોર શરૂ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500